વિવાદાસ્પદ યુસીસીનો અમલ કરનાર ઉત્તરાખંડ દેશનું પહેલું રાજ્ય બનશે
પુષ્કર સિંઘ ધામી, મુખ્યમંત્રી- ઉત્તરાખંડ
દેહરાદૂન : ઉત્તરાખંડના પ્રધાનમંડળે મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીની અધ્યક્ષતામાં સીએમ આવાસ પર યોજાયેલી કૅબિનેટ બેઠકમાં યુનિફૉર્મ સિવિલ કૉડ (યુસીસી) રિપોર્ટને મંજૂરી આપી છે અને આ સાથે આ કાયદાના અમલને મંજૂરી આપનાર ઉત્તરાખંડ દેશનું પહેલું રાજ્ય બનશે.ઉત્તરાખંડમાં આવતી કાલથી શરૂ થઈ રહેલા વિધાનસભા સત્રની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ વખતે બજેટની સાથે યુનિફૉર્મ સિવિલ કૉડનો ડ્રાફ્ટ પણ ગૃહના ટેબલ પર મૂકવામાં આવનાર છે. સીએમ પુષ્કર સિંહ ધામીએ પહેલાં જ યુનિફૉર્મ સિવિલ કૉડ પર સરકારનો ઇરાદો આ સાથે જ સ્પષ્ટ કરી દીધો છે. યુસીસીમાં એકથી વધુ લગ્નો કરવા પ્રતિબંધ તથા લિવ-ઇન સંબંધોની જાણકારી આપવા સહિતની જોગવાઈ છે.
રાજ્ય સરકારની પાંચ સભ્યોની પૅનલે શુક્રવારે આ બિલનો યુસીસીના ડ્રાફ્ટ સીએમ પુષ્કર સિંહ ધામીને સુપરત કર્યો હતો, ત્યાર બાદ સરકારની કાનૂની ટીમ પૅનલની ભલામણોનો અભ્યાસ કરી વિધાનસભામાં રજૂ કરાશે. કૅબિનેટની બેઠક બાદ મુખ્ય પ્રધાન ધામીએ યુસીસી પર કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ વચન પૂર્ણ કરવામાં આવશે.
શું છે યુસીસીમાં?
આ કાયદો દરેક નાગરિક માટે સમાનતા લાવી રહ્યો છે, જેમાં દરેક સંપ્રદાય, ધર્મ કે જાતિના લોકોને કાયદો સમાન રીતે લાગુ પડશે એટલે કે લગ્ન, છૂટાછેડા અને મિલકતની વહેંચણી વગેરે બાબતોમાં સમાન કાયદો તમામ ધર્મોને લાગુ પડશે. આ એક ન્યાયી કાયદો હશે, જેને કોઈ ધર્મ કે જાતિ સાથે સંબંધ અને બંધન નહીં હોય.
ADVERTISEMENT
એકથી વધુ મૅરેજ નહીં
યુસીસીના અમલ સાથે અનેક વિવાહ પ્રતિબંધ મૂકવામાં આવશે. અનેક વિવાહ પ્રથા હજી પણ ભારતનાં અનેક રાજ્યોમાં જોવા મળી રહી છે.
લિવ-ઇનની જાણકારી આપવી પડશે
આજકાલ ભારતનાં મોટાં શહેરોમાં લિવ-ઇન રિલેશનશિપની પ્રથા જોવા મળી રહી છે. જો યુસીસી લાગુ થશે તો લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા માટે જાહેરાત જરૂરી બનશે તેમ જ લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા લોકોનાં માતા-પિતાને પણ આ વિશે જાણ કરવી પડશે તેમ જ પોલીસ પાસે લિવ-ઇન રિલેશનશિપનો રેકૉર્ડ રહેશે.
૨૧ વર્ષ પહેલાં લગ્ન નહીં
છોકરીઓનાં લગ્નની ઉંમર ૨૧ વર્ષ નક્કી કરાઈ છે તેમ જ છોકરી લગ્ન પહેલાં ગ્રેજ્યુએટ થઈ શકે.
દત્તક પ્રક્રિયા સરળ બનશે
અત્યાર સુધી જમીન, મિલકત કે રોકડ રકમની વહેંચણીમાં છોકરાઓનું વર્ચસ હતું, પરંતુ યુસીસી હેઠળ છોકરીઓને છોકરાઓની જેમ વારસામાં સમાન હિસ્સો મળશે. આ સિવાય દત્તક દરેક માટે માન્ય રહેશે. મુસ્લિમ મહિલાઓ પણ દત્તક લઈ શકશે.
હલાલા અને ઇદ્દત પર પ્રતિબંધ
મુસ્લિમ સમુદાયમાં થઈ રહેલા હલાલા અને ઇદ્દત પર પણ પ્રતિબંધ રહેશે. લગ્ન પછી લગ્ન નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. દરેક લગ્નની નોંધણી ગામમાં જ થશે. નોંધણી વિનાનાં લગ્ન માન્ય રહેશે નહીં. એટલું જ નહીં, જો લગ્નનું રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તો તમને કોઈ સરકારી સુવિધાનો લાભ નહીં મળે.
સાસુ-સસરાની દેખરેખની જવાબદારી
નોકરી કરનારનું મૃત્યુ થાય ત્યારે તેની વિધવાને વળતર મળે છે. આ વળતરમાં તેનાં વૃદ્ધ સાસુ-સસરાની દેખરેખની જવાબદારી પણ સામેલ હશે. જો પત્ની ફરીથી લગ્ન કરે છે, તો પતિના મૃત્યુ પર મળેલા વળતરમાં તેનાં સાસુ-સસરાનો પણ હિસ્સો હશે. એ જ રીતે જો કોઈની પત્ની મૃત્યુ પામે છે અને તેનાં માતા-પિતાનો કોઈ આધાર નથી, તો તેના ભરણપોષણની જવાબદારી પતિની રહેશે.