માત્ર ત્રણ વર્ષની ઉંમરે તબલાં વગાડવાનું શરૂ કર્યું હતું ઝાકિર હુસૈને
તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈન
તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનો જન્મ ૧૯૫૧ની ૯ માર્ચે થયો હતો.
માત્ર ત્રણ વર્ષની ઉંમરે તેમણે પહેલી વાર તબલાં વગાડવાનું શરૂ કર્યું હતું.
ADVERTISEMENT
મશહૂર તબલાવાદક પિતા અલ્લારખ્ખા કુરેશી પાસેથી તેમણે તબલાંની પદ્ધતિસરની તાલીમ લીધી. એ પછી ભારતમાં જ નહીં વિદેશમાં પણ તેમણે ડંકો વગાડ્યો હતો. અનેક વિદેશી કલાકારો-સંગીતકારો સાથે તેમણે કામ કર્યું હતું.
ચાર વખત ગ્રૅમી અવૉર્ડ જીતનાર ઝાકિર હુસૈનની તબલાં વગાડવાની આવડત જોઈને મહાન સિતારવાદક પંડિત રવિશંકરે તેમને ઉસ્તાદની ઉપાધિ આપી હતી.
ઝાકિર હુસૈને જેની ગણના ગાયક કલાકારને સંગત આપવા પૂરતી જ થતી હતી એ તબલાંને સ્ટેજ પર કાર્યક્રમોમાં મહત્ત્વનું સ્થાન અપાવ્યું.
ઝાકિર હુસૈને ઇટાલિયન-અમેરિકન કથક-ડાન્સર ઍન્ટોનિયા મિનેકોલા સાથે લગ્ન કર્યાં હતાં. ઍન્ટોનિયા એ પહેલાં તેમનાં સેક્રેટરી હતાં. તેમને બે દીકરીઓ છે.
તેમની એક દીકરી અનીશા કુરેશી ફિલ્મમેકર છે અને બીજી દીકરી ઇસાબેલ મૅનહટનમાં ડાન્સ શીખી રહી છે.
ઝાકિર હુસૈનને ૪ ગ્રૅમી અવૉર્ડ મળ્યા છે તથા તેમને પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ ઇલકાબથી નવાજવામાં આવ્યા હતા. ૧૯૮૮માં પદ્મશ્રીનો ઇલકાબ મેળવનાર ઝાકિર હુસૈન સૌથી નાની ઉંમરના હતા.
૧૯૯૦માં ઝાકિર હુસૈનને પ્રથમ ગ્રૅમી અવૉર્ડ મળ્યો હતો. એ પછી ૧૯૯૨માં તેમણે અન્યો સાથે મળીને બનાવેલા આલબમ ‘પ્લૅનેટ ડ્રમ’ને ગ્રૅમી અવૉર્ડ મળ્યો હતો અને ત્યાર બાદ ૨૦૦૪માં તેમના બૅન્ડને અને ત્યાર બાદ ૨૦૨૩માં તેમને ગ્રૅમી અવૉર્ડ એનાયત થયો હતો.