લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના દ્વારા જાહેર કરાયેલા પ્રિસાઇડિંગ ઑફિસર તરીકે શુક્રવારે ભાજપના સત્ય શર્માએ શપથ લીધા હતા
તસવીર સૌજન્ય: પીટીઆઈ
`નાની સરકાર`ના વડા ચૂંટાય તે પહેલાં દિલ્હી (MCD Mayor Election)માં હંગામો થયો છે. સિવિક સેન્ટર ખાતે મેયરની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો. પ્રિસાઇડિંગ ઑફિસરના નામાંકિત સભ્યોએ પહેલા શપથ લેવડાવ્યા હોવાથી નારાજ હતા. AAP કૉર્પોરેટરોએ માગ કરી હતી કે પ્રથમ ચૂંટાયેલા કૉર્પોરેટરોને શપથ લેવડાવવામાં આવે. મતદાન શરૂ થાય તે પહેલા AAP અને ભાજપના કૉર્પોરેટરો વચ્ચે મારામારી થઈ હતી. આ દરમિયાન સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને પેમ્ફલેટ ફેંકવામાં આવ્યા હતા. ભાજપ અને AAPના કાઉન્સિલરો એકબીજા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા હતા. આ હંગામાને AAPએ BJPની ગુંડાગીરી ગણાવી હતી, જ્યારે ભાજપે કહ્યું કે આપ ડરી ગઈ છે.
લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના દ્વારા જાહેર કરાયેલા પ્રિસાઇડિંગ ઑફિસર તરીકે શુક્રવારે ભાજપના સત્ય શર્માએ શપથ લીધા હતા. તે પછી, LG દ્વારા નામાંકિત 10 કાઉન્સિલરોના શપથ લેવાની પ્રક્રિયા શરૂ થઈ. ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તરફથી સૂત્રોચ્ચાર શરૂ થઈ ગયા. વાંધો ઉઠાવતા તેમણે કહ્યું હતું કે પ્રથમ ચૂંટાયેલા કાઉન્સિલરોને શપથ લેવડાવવા જોઈએ. થોડી જ વારમાં ભાજપના કૉર્પોરેટરો તરફથી પણ સૂત્રોચ્ચાર થવા લાગ્યા અને આ સૂત્રોચ્ચાર એટલા ઉગ્ર બની ગયા કે વાત મારામારી સુધી પહોંચી ગઈ.
ADVERTISEMENT
ભાજપે AAP પર પ્રહારો કર્યા
આમ આદમી પાર્ટી શેનાથી ડરે છે? શું આમ આદમી પાર્ટી નૈતિક રીતે હારી ગઈ છે? શું તે સમજી ગયા છે કે તેના કાઉન્સિલરો તેને ટેકો નહીં આપે? મેયરની ચૂંટણી પહેલાં જ આ પ્રકારનો હોબાળો ચોક્કસપણે દર્શાવે છે કે આમ આદમી પાર્ટીની નૈતિક રીતે હાર થઈ છે.
કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ કહ્યું કે “તેઓ (આપ) અરાજક લોકો છે અને તેમનું કામ અરાજકતા ફેલાવવાનું છે, જ્યારે તેમની પાસે નંબરો છે તો પછી તેમને શેનો ડર છે. આ દાદાગીરી તેમના સાંસદો રાજ્યસભામાં પણ જોઈ રહ્યા છે અને અહીં પણ એવું જ થઈ રહ્યું છે.
AAPએ ભાજપને જવાબ આપ્યો
આપ તરફથી કહેવામાં આવ્યું કે “આજે ગેરકાયદેસર રીતે ભાજપની ગુંડાગીરી જોવા મળી હતી. સૌથી પહેલા નામાંકિત કાઉન્સિલરોની શપથવિધિ કરવામાં આવી હતી. જ્યારે અમે આનો વિરોધ કર્યો હતો અને પ્રથમ ચૂંટાયેલા કાઉન્સિલરોને શપથ લેવડાવવાની માગણી કરી ત્યારે હોબાળો થયો હતો. તેઓએ (ભાજપ) મારા પર મોમેન્ટો ફેંક્યો.”
આ પણ વાંચો: દિલ્હી હૉરર : વધુ બે આરોપીઓ માટે સર્ચ ઑપરેશન
ઉલ્લેખનીય છે કે આજે થયેલા હંગામા બાદ ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી, જેને પગલે મેયરની ચૂંટણી યોજાઈ ન હતી.