પીએમ નરેન્દ્ર મોદીએ વારાણસીમાં ૧૭૮૦ કરોડ રૂપિયાના મૂલ્યનાં ૨૮ વિકાસકાર્યોનાં શિલાન્યાસ અને લોકાર્પણ કર્યાં
વારાણસીમાં ગઈ કાલે વિવિધ વિકાસકાર્યોનાં શિલાન્યાસ અને લોકાર્પણ દરમ્યાન એક જનસભાને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ નિરાશાની જૂની છબીમાંથી બહાર નીકળીને આશા અને આકાંક્ષાઓની નવી દિશામાં આગળ વધી રહ્યો છે.
વડા પ્રધાને તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં ૧૭૮૦ કરોડ રૂપિયાના મૂલ્યનાં ૨૮ વિકાસ કામોનાં શિલાન્યાસ અને લોકાર્પણ કર્યા બાદ જનસભાને સંબોધતાં કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં હવે સુરક્ષા અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેને લીધે સમૃદ્ધિ ચોક્કસ જ વધશે.વડા પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે ‘ભારતના અને વિદેશોના લોકોએ કાશી વિશ્વનાથ મંદિર કૉરિડોર અને ગંગાઘાટ પરનાં વિકાસકાર્યોની પ્રશંસા કરી છે. છેલ્લા એક વર્ષમાં સાત કરોડથી વધારે ટૂરિસ્ટ્સે વારાણસીની મુલાકાત લીધી છે.’
ADVERTISEMENT
વડા પ્રધાને આ પહેલાં વારાણસી કૅન્ટૉનમેન્ટ સ્ટેશનથી ગોદૌલિયાના પૅસેન્જર રોપવેનો શિલાન્યાસ કર્યો હતો. ૩.૭૫ કિલોમીટરની આ રોપવે સિસ્ટમમાં પાંચ સ્ટેશન હશે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ૬૪૫ કરોડ રૂપિયા છે. વર્લ્ડ ટીબી-ડે પર ‘વન વર્લ્ડ ટીબી સમિટ’ને સંબોધતાં વડા પ્રધાને કહ્યું હતું કે ‘દેશ ૨૦૨૫ સુધીમાં ટીબીને નાબૂદ કરવાની દિશામાં કામ કરી રહ્યો છે. અનેક મોરચે ટીબીની વિરુદ્ધની લડાઈમાં ભારત એક થયું છે.