ઉત્તર પ્રદેશના હાથરસમાં ઘટનાના બે મહિના પછી ચોંકાવનારો પર્દાફાશ
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ઉત્તર પ્રદેશના હાથરસમાં ૨૬ સપ્ટેમ્બરે સ્કૂલ-ડિરેક્ટરની કારની પાછળની સીટમાંથી ૯ વર્ષના બાળકની ડેડ-બૉડી મળી આવવાના કેસમાં બે મહિના બાદ પોલીસે ૧૩ વર્ષના સગીરની ધરપકડ કરી છે. આ સગીરે બોર્ડિંગ સ્કૂલમાં રજા પડી જાય એ માટે ૯ વર્ષના બાળકની હત્યા કરી હતી જેથી તે ઘરે જઈ શકે.
આ ચોંકાવનારી ઘટના સંદર્ભે પોલીસે જણાવ્યું હતું કે ૯ વર્ષના બાળકની હત્યા સંદર્ભે પોલીસ સ્કૂલના સ્ટુડન્ટ્સના ઇન્ટરવ્યુ લઈ રહી હતી ત્યારે ૧૩ વર્ષના સગીરે બાળકની હત્યા કર્યાનું કબૂલી લીધું હતું.
ADVERTISEMENT
શું બની હતી ઘટના?
૨૬ સપ્ટેમ્બરે ૯ વર્ષના બાળકનો મૃતદેહ સ્કૂલ-ડિરેક્ટરની કારમાંથી મળી આવ્યો હતો. આને પગલે એવી શંકા વ્યક્ત કરવામાં આવી હતી કે સ્કૂલના ડિરેક્ટરે તેમની સ્કૂલને નામના મળે અને એમાં સ્ટુડન્ટની સંખ્યા વધે એ માટે બાળકનો બલિ ચડાવ્યો હશે. આ કેસમાં પોલીસે પાંચ વ્યક્તિની ધરપકડ કરી હતી. તેમની સામે પુરાવાનો નાશ કરવાના આરોપ મૂકવામાં આવ્યા હતા.
જોકે ગુરુવારે પોલીસ સુપરિન્ટેન્ડન્ટ ચિરંજીવનાથ સિંહાએ આ કેસમાં નવી માહિતી આપતાં કહ્યું હતું કે ‘બાળકોના ઇન્ટરવ્યુમાં પોલીસને નવો શકમંદ મળી આવ્યો હતો, જે સગીર છે અને સ્કૂલનો જ સ્ટુડન્ટ છે. આરોપી બીજા સ્ટુડન્ટ્સને પૂછી રહ્યો હતો કે કેવી રીતે સ્કૂલ બંધ કરી શકાય. આરોપીએ વિચાર્યું હતું કે બાળકનું મૃત્યુ થાય તો સ્કૂલ બંધ થઈ શકે છે અને તે પોતાના વતન જઈ શકે છે.’
ટૉવેલથી ગળું ટૂંપી દીધું
આરોપીએ ટૉવેલની મદદથી બાળકનું ગળું દબાવી દીધું હતું. સ્કૂલના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં આરોપી ઘટના પહેલાં ટૉવેલ લઈને જતો જોવા મળે છે. બાળકની હત્યા કર્યા બાદ આરોપીએ તેના મિત્રને તેની પાસે સૂવા કહ્યું હતું, કારણ કે તેને ડર લાગી રહ્યો હતો.
જુવેનાઇલ કસ્ટડીમાં
આરોપીને જુવેનાઇલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. તેની પૂછપરછ ચાલી રહી છે.