૨૨૨ જેટલા ગુંડાઓને ઠાર માર્યા; ૮૦,૯૧૪ લોકો પર ગૅન્ગસ્ટર ઍક્ટ લાગુ કર્યો; ગુનેગારોની ૧૪૨ અબજ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી
યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશમાં યોગી સરકારનાં ૮ વર્ષ પૂર્ણ થયાં છે એ અવસરે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સોમવારે લખનઉમાં પ્રેસ-કૉન્ફરન્સ કરી હતી. આ પ્રસંગે તેમણે રાજ્ય સરકારની સિદ્ધિઓની પુસ્તિકાનું વિમોચન કર્યું હતું. સરકારની ‘સેવા, સુરક્ષા અને સુશાસન નીતિ’ પર આધારિત ડૉક્યુમેન્ટરી પણ રજૂ કરી હતી. આ દરમ્યાન યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે ‘રાજ્યમાં BJP સરકારે પોતાનાં ૮ વર્ષના કાર્યકાળ દરમ્યાન ગુંડારાજ ખતમ કર્યું છે. આ સરકારે કાયદો અને વ્યવસ્થા વિશે અત્યાર સુધીનાં સૌથી મોટાં અને કડક પગલાં લીધાં છે જેની અસરો પણ દેખાઈ રહી છે. ૮ વર્ષનો ડેટા પણ એ વાતનો સાક્ષી છે કે ઉત્તર પ્રદેશ પોલીસે સમાજને ભયમુક્ત બનાવવા માટે કેવી રીતે મોટાં પગલાં લીધાં. આ સમયગાળા દરમ્યાન પોલીસે એન્કાઉન્ટરમાં ૨૨૨ ગુનેગારોને ઠાર માર્યા અને ૮૧૧૮ ગુનેગારો ઘાયલ થયા. આ સમયગાળા દરમ્યાન પોલીસે ૯૩૦ ગુનેગારો અને ૭૯,૯૮૪ બદમાશો પર ગૅન્ગસ્ટર ઍક્ટ લાગુ કર્યો. વધુમાં ગુનેગારોની નાણાકીય સ્થિતિ પર પ્રહાર કરવા માટે ૧૪૨ અબજ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી.’

