વીજળીની ચોરી થતી હોવાની તપાસ કરવામાં આવી ત્યારે અતિક્રમણ કરવામાં આવેલી જગ્યામાંથી હનુમાનજીની મૂર્તિ અને શિવલિંગ સાથે નંદી મળી આવ્યાં
ઉત્તર પ્રદેશના સંભલમાં મંદિરમાં હનુમાનની મૂર્તિ, શિવલિંગ અને નંદીની સ્થાપના
ઉત્તર પ્રદેશના સંભલમાં એક મસ્જિદને તોડતી વખતે હિંસા થઈ હતી. ત્યાર બાદ હિંસા કરનારાઓનું સર્ચ-ઑપરેશન ચલાવવામાં આવ્યું હતું. આ દરમ્યાન અહીં મોટા પ્રમાણમાં વીજળીની ચોરી થતી હોવાનું જણાતાં પોલીસ અને પ્રશાસને ગેરકાયદે અતિક્રમણ અને વીજળીની ચોરી સામે કાર્યવાહી શરૂ કરી છે. મસ્જિદ અને ઘરોની તપાસ દરમ્યાન વીજળીની મોટા પ્રમાણમાં ચોરી પકડવામાં આવી છે. ગઈ કાલે સવારે આવી જ રીતે તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે મુસ્લિમોની બહોળી વસ્તીની વચ્ચે ખગ્ગુસરાય વિસ્તારમાં એક બંધ મંદિર મળી આવ્યું હતું. આ મંદિર ૧૯૭૮થી એટલે કે ૪૬ વર્ષથી બંધ હોવાનું કહેવાય છે. મંદિરમાં હનુમાનની મૂર્તિ, શિવલિંગ અને નંદીની સ્થાપના છે.
સંભલના સર્કલ ઑફિસર અનુજકુમાર ચૌધરીના કહેવા મુજબ તેમને માહિતી મળી હતી કે મંદિરની જગ્યામાં કેટલાક સ્થાનિક લોકો અતિક્રમણ કરી રહ્યા છે એટલે તેમણે અહીં તપાસ કરતાં હિન્દુ મંદિર મળી આવ્યું હતું.
ADVERTISEMENT
નગર હિન્દુ સભાના વિષ્ણુ શરન રસ્તોગીએ કહ્યું હતું કે ‘મંદિર ૧૯૭૮ બાદ ખોલવામાં આવ્યું છે. હું અને મારો પરિવાર આ મંદિરના પરિસરમાં રહેતા હતા, પરંતુ વર્ષો પહેલાં અમે ઘર વેચીને બીજે રહેવા જતા રહ્યા હતા. મંદિરની સંભાળ રાખવાનું મુશ્કેલ બન્યું હતું એટલે આ વિસ્તાર અમે છોડી દીધો હતો. મંદિરમાં કોઈ પૂજારી રહી શકે એમ નહોતા એટલે એ ૧૯૭૮માં બંધ કરી દેવામાં આવ્યું હતું.’
સંભલના ઍડિશનલ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ શ્રીશચંદ્રએ કહ્યું હતું કે ‘મંદિરમાં ઘર બનાવીને કેટલાક લોકોએ અતિક્રમણ કર્યું છે. મંદિરની સાફસફાઈ કરી દેવામાં આવી છે. જેમણે મંદિરમાં કબજો કર્યો છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.’