આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે કે જ્યારે ઑનલાઇન ગેમ્સનો ઉપયોગ કરીને વ્યાપક ધર્મપરિવર્તન રૅકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેમાં બાળકોને ફોસલાવીને તેમનું ધર્મપરિવર્તન કરવામાં આવતું હતું.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
કેન્દ્રીય ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી પ્રધાન રાજીવ ચન્દ્રશેખરે ગઈ કાલે જાહેર કર્યું હતું કે કેન્દ્ર સરકાર દેશમાં ત્રણ પ્રકારની ગેમ્સ પર પ્રતિબંધ મૂકવા જઈ રહી છે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે કે જ્યારે ઑનલાઇન ગેમ્સનો ઉપયોગ કરીને વ્યાપક ધર્મપરિવર્તન રૅકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેમાં બાળકોને ફોસલાવીને તેમનું ધર્મપરિવર્તન કરવામાં આવતું હતું. હવે આગામી રેગ્યુલેશન્સ વિશે પ્રધાને કહ્યું હતું કે ‘અમે ઑનલાઇન ગેમિંગ બાબતે ચર્ચાવિચારણા પછી પહેલી વખત એક ફ્રેમવર્ક તૈયાર કર્યું છે, જેમાં ત્રણ પ્રકારની ગેમ્સ માટે મંજૂરી નહીં હોય. એક જેમાં બેટિંગ હોય. બીજું કે યુઝરને કોઈ પણ રીતે નુકસાન પહોંચે એવી ગેમ્સ અને ત્રીજો ક્રાઇટેરિયા એડિક્ટિવ છે. આ ત્રણમાંથી કોઈ પણ એક ફૅક્ટર પર ગેમ ભંગ કરશે તો એના પર દેશમાં પ્રતિબંધ મૂકવામાં આવશે. અમે આ ઇશ્યુ પર વિચાર કરી રહ્યા છીએ.’ સરકારે આ મામલે જુદા-જુદા પક્ષકારોની સાથે વાતચીત પણ કરી છે.