બજેટસત્ર પહેલાં સરકારે બોલાવી તમામ પક્ષોની બેઠક
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
નવી દિલ્હી : આજથી સંસદના બજેટસત્રની શરૂઆત થશે. એ પહેલાં સરકારે તમામ પક્ષોની એક બેઠક બોલાવી હતી, જેમાં થયેલી ચર્ચામાં વિપક્ષોએ અદાણીના શૅર, બીબીસીની ડૉક્યુમેન્ટરી પર લગાડવામાં આવેલા પ્રતિબંધ તેમ જ વિપક્ષની સરકાર હોય ત્યાં રાજ્યપાલો દ્વારા થતા હસ્તક્ષેપ મામલે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો તેમ જ આ મામલે ચર્ચા કરવાના મૂડમાં જણાયા હતા. ગઈ કાલે સવારે બોલાવવામાં આવેલી બેઠકમાં વિપક્ષના સંસદસભ્યોએ અદાણીના શૅરને લઈને દેશના અર્થતંત્ર પર પડેલી અસરને મહત્ત્વની ગણાવી હતી તેમ જ આ મામલે શા માટે સીબીઆઇ, ઈડી કે સેબીએ કોઈ તપાસ ન કરી એ મામલે સંસદના સત્ર પર સવાલ ઉઠાવવાનો નિર્ણય જાહેર કર્યો હતો. આ ઉપરાંત બીબીસીની ડૉક્યુમેન્ટરી પર પ્રતિબંધ મૂકીને વગર કારણે આતુરતા ઊભી કરવા પર પણ સવાલ ઉઠાવશે. ભારત જોડો યાત્રાનું સમાપન હોવાથી કૉન્ગ્રેસના મોટા નેતાઓ આ મીટિંગમાં હાજર રહ્યા નહોતા.