અહીં વાંચો તેમના ભાષણના મહત્વના મુદ્દા...
તસવીર સૌજન્ય : પી.ટી.આઇ.
સંસદના બજેટ સત્ર પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (Droupadi Murmu)એ પ્રથમ વખત સંબોધન કર્યું. સંબોધનમાં રાષ્ટ્રપતિએ નરેન્દ્ર મોદી (Narendra Modi) સરકારની જોરદાર પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, ‘ભારતના લોકોએ લગભગ ૯ વર્ષના સરકારના કાર્યકાળ દરમિયાન પ્રથમ વખત ઘણા સકારાત્મક ફેરફારો જોયા છે. સૌથી મોટો બદલાવ એ થયો છે કે આજે દરેક ભારતીયનો આત્મવિશ્વાસ ચરમસીમાએ છે અને દુનિયાએ ભારત પ્રત્યેનો પોતાનો દૃષ્ટિકોણ બદલી નાખ્યો છે.’ આજના આ ભાષણમાં તેમણે શું કહ્યું એ મુદ્દાઓ પર કરીએ એક નજર…
આત્મનિર્ભર ભારત બનાવવું છે
ADVERTISEMENT
રાષ્ટ્રપતિએ કહ્યું કે, ‘આપણા માટે એક યુગ સર્જવાની તક છે. આપણે એવું ભારત બનાવવું છે જે આત્મનિર્ભર હોય અને જે પોતાની માનવીય જવાબદારી નિભાવવામાં સક્ષમ હોય, જેમાં ગરીબી ન હોય, જેનો મધ્યમ વર્ગ પણ ગૌરવથી ભરેલો હોય, જેમની યુવા શક્તિ, મહિલા શક્તિ સમાજ અને રાષ્ટ્રને દિશા આપવા માટે સક્ષમ હોય.’
દુનિયા ભારત તરફ જોઈ રહી છે
મુર્મૂએ કહ્યું કે, ‘ભારત દેશ જે એક સમયે પોતાની સમસ્યાઓના ઉકેલ માટે અન્ય પર નિર્ભર રહેતો હતો તે આજે વિશ્વની સમસ્યાઓના ઉકેલનું માધ્યમ બની ગયો છે. દેશની મોટી વસ્તી દાયકાઓથી જે સુવિધાઓની રાહ જોઈ હતી તે આ વર્ષોમાં તેમને મળી છે.’
કલમ ૩૭૦ અને ટ્રિપલ તલાક કાયદો નાબૂદ કરવામાં આવ્યો
તેમણે કહ્યું કે, ‘સર્જિકલ સ્ટ્રાઈકથી આતંકવાદ સુધી હંમેશા કઠોર હુમલા કરવામાં આવ્યા છે. એલઓસીથી લઈને એલએસી સુધીના દરેક દુ:સાહસનો જોરદાર જવાબ પણ આપવામાં આવ્યો હતો. કલમ ૩૭૦ હટાવવાથી લઈને ટ્રિપલ તલાક સુધી મારી સરકારની ઓળખ નિર્ણાયક સરકારની રહી છે.’
આ પણ વાંચો – બજેટમાં કૉમોડિટી માર્કેટની આશા, અપેક્ષા અને સરકારની આર્થિક-રાજકીય મજબૂરી
કોઈ ભેદભાવ નહીં
મુર્મૂએ વધુમાં કહ્યું કે, ‘વર્તમાન સરકારે કોઈપણ ભેદભાવ વિના દરેક વર્ગ માટે કામ કર્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મારી સરકારના પ્રયાસોના પરિણામે ઘણી મૂળભૂત સુવિધાઓ આજે લગભગ ૧૦૦ ટકા વસ્તી સુધી પહોંચી છે અથવા તે લક્ષ્યની ખૂબ નજીક છે.’
આયુષ્માન ભારત યોજનાની પ્રશંસા
તેમણે કહ્યું કે, ‘આયુષ્માન ભારત યોજનાએ દેશના કરોડો ગરીબ લોકોને વધુ ગરીબ થતા બચાવ્યા છે. આ સ્કીમ દ્વારા તેમના ૮૦,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચો બચાવવામાં આવ્યો હતો. સાત દાયકામાં દેશના લગભગ ૩.૨૫ કરોડ ઘરોમાં પાણીના જોડાણો પહોંચી ગયા હતા. જલ જીવન મિશન હેઠળ ત્રણ વર્ષમાં લગભગ ૧૧ કરોડ પરિવારોને પાણીની પાઈપલાઈનનું જોડાણ કરી આપવામાં આવ્યું છે.’
નાના ખેડૂતો સરકારની પ્રાથમિકતા છે
દ્રૌપદી મુર્મૂ એમ પણ બોલ્યા હતા કે, ‘કેન્દ્ર સરકારની પ્રાથમિકતામાં દેશના ૧૧ કરોડ નાના ખેડૂતો છે. આ નાના ખેડૂતો દાયકાઓ સુધી સરકારની પ્રાથમિકતાથી વંચિત હતા. હવે તેમને મજબૂત અને સમૃદ્ધ બનાવવા માટે દરેક પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. સરકારે નવા સંજોગો અનુસાર પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. આ એક સંવેદનશીલ અને ગરીબ તરફી સરકારની ઓળખ છે. સરકારે સદીઓથી વંચિત એવા ગરીબ, દલિત, પછાત, આદિવાસી સમાજની ઈચ્છાઓ પૂર્ણ કરીને તેમને સ્વપ્ન જોવાની હિંમત આપી છે.’
આ પણ વાંચો – કેન્દ્રીય બજેટ પાસેથી પગારદાર વર્ગની અપેક્ષાઓ
‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન રહ્યું સફળ
રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે, ‘આજે આપણે `બેટી બચાવો, બેટી પઢાવો` અભિયાનની સફળતા જોઈ રહ્યા છીએ. દેશમાં પ્રથમ વખત પુરૂષો કરતાં મહિલાઓની સંખ્યા વધુ છે. મહિલાઓના સ્વાસ્થ્યમાં પણ પહેલા કરતાં વધુ સુધારો થયો છે. મારી સરકારે એ પણ સુનિશ્ચિત કર્યું છે કે કોઈપણ કાર્યમાં, કોઈપણ કાર્યક્ષેત્રમાં મહિલાઓ પર કોઈ પ્રતિબંધ નથી. ખાણકામથી લઈને સેનામાં આગળની હરોળ સુધી દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભરતી શરૂ કરવામાં આવી છે. પ્રસૂતિ રજા ૧૨ અઠવાડિયાથી વધારીને ૨૬ અઠવાડિયા કરવામાં આવી છે.’
ગુલામીના દરેક નિશાનમાંથી મુક્તિ મેળવવાનો પ્રયાસ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ અંતે કહ્યું હતું કે, ‘આઝાદીના સુવર્ણકાળમાં દેશ પાંચ આત્માઓની પ્રેરણાથી આગળ વધી રહ્યો છે. સરકાર ગુલામીની દરેક નિશાની, દરેક માનસિકતામાંથી મુક્તિ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. એક સમયે જે રાજપથ હતો તે હવે કર્તવ્યપથ બની ગયો છે.’