કેન્દ્ર સરકારે કર્ણાટક હાઈ કોર્ટને જાણ કરી હતી કે એક મધ્યસ્થી હોવાને કારણે સોશ્યલ મીડિયા સાઇટ ટ્વિટર પર એક વધારાની જવાબદારી છે
પ્રતીકાત્મક તસવીર
કેન્દ્ર સરકારે કર્ણાટક હાઈ કોર્ટને જાણ કરી હતી કે એક મધ્યસ્થી હોવાને કારણે સોશ્યલ મીડિયા સાઇટ ટ્વિટર પર એક વધારાની જવાબદારી છે અને એની ફરજ છે કે એણે ખાતાધારકોની વિગતો આપવી જોઈએ. કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા ઍડિશનલ સૉલિસિટર જનરલ આર. શંકરનારાયણને એવી ખતરનાક ટ્વીટનાં ઉદાહરણ આપ્યાં અને કહ્યું કે ‘જે ભારતની અખંડિતતા અને સાર્વભૌમત્વને અસર કરે છે અથવા અશાંતિ ઊભી કરી શકે એવા સંજોગોમાં અમે નોટિસ મોકલીએ અથવા કહી શકીએ કે આ અકાઉન્ટને બ્લૉક કરો. ઉદાહરણ તરીકે કેટલાક ગવર્નમેન્ટ ઑફ પાકિસ્તાનના નામે ભારતના અધિકૃત કાશ્મીર વિશે ટિપ્પણી કરે, તો કોઈ કહે કે એલટીટીઈનો પ્રભાકરન હીરો છે અને તે પાછો આવી રહ્યો છે. આ બધું ઘણું ખતરનાક છે.’ ઍડિશનલ સૉલિસિટર જનરલે કહ્યું કે ટ્વિટર ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ઍક્ટની કલમ ૭૯ અંતર્ગત રક્ષણ મેળવી ન શકે.