ભારતનાં નૉર્થ-ઈસ્ટનાં સાત રાજ્યોને ચીનની ઇકૉનૉમીનું એક્સટેન્શન કહેનારા બંગલાદેશની સરકારના સલાહકાર મોહમ્મદ યુનુસને ત્રિપુરાના ભૂતપૂર્વ રાજવીએ આપ્યો જડબાતોડ જવાબ
મોહમ્મદ યુનુસ, પ્રધોત માણિક્ય
બંગલાદેશની કાર્યવાહક સરકારના સલાહકાર મોહમ્મદ યુનુસે ભારતનાં નૉર્થ-ઈસ્ટનાં રાજ્યો વિશે કરેલી કમેન્ટ્સ બાદ ત્રિપુરાના ભૂતપૂર્વ રાજવીએ આકરી ટિપ્પણી કરી છે. યુનુસે જણાવ્યું હતું કે ભારતનાં નૉર્થ-ઈસ્ટનાં સાત રાજ્યો ચીનની ઇકૉનૉમીનું એક્સટેન્શન છે અને ચીને આ વિસ્તાર પર કબજો કરી લેવો જોઈએ. આ મુદ્દે ઉગ્ર પ્રતિક્રિયા આપતાં ત્રિપુરામાં બીજા ક્રમની સૌથી મોટી ટીપ્રા મોથા પાર્ટીના સ્થાપક પ્રધોત માણિક્યએ કહ્યું હતું કે બંગલાદેશને તોડી નાખવું જોઈએ. એક પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે દિલ્હીએ નૉર્થ-ઈસ્ટ પર ભૌતિક નિયંત્રણ સ્થાપિત કરવા અને જાળવવા માટે સંદેશવ્યવહાર કરવા માટે અબજો રૂપિયાનો ખર્ચ કરવાના બદલે બંગલાદેશના એવા ભાગો પર નિયંત્રણ મેળવવું જોઈએ જે હંમેશાં ભારતનો ભાગ બનવા માગતા હતા. ચિત્તાગોંગના પહાડી વિસ્તારોમાં હંમેશાં એવી સ્વદેશી જાતિઓ વસતી હતી જે ભારતનો ભાગ બનવા માગતી હતી. લાખો ત્રિપુરી, ગારો, ખાસી અને ચકમા લોકો ભયંકર પરિસ્થિતિમાં બંગલાદેશમાં રહે છે, રાષ્ટ્રના હિતમાં તેમને ભારતમાં લઈ લેવા જોઈએ.
યુનુસે હિન્દી મહાસાગર વિસ્તારમાં ચીનને સમુદ્રના રક્ષક તરીકે તેમના દેશની સ્થિતિનો લાભ લેવા આમંત્રણ આપ્યા બાદ નવેસરથી વિવાદ શરૂ થયો છે.

