કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળને લેણાંની બાકીની રકમ ચૂકવી નથી જે આશરે એક લાખ કરોડ રૂપિયા જેટલી છે
નિર્મલા સીતારમણ, મલ્લિકાર્જુન ખડગે
કેન્દ્રીય બજેટમાં પશ્ચિમ બંગાળને કંઈ આપવામાં આવ્યું નથી એવા તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC)ના સંસદસભ્યોના આરોપોનો જવાબ આપતાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગઈ કાલે રાજ્યસભામાં જણાવ્યું હતું કે ‘છેલ્લાં ૧૦ વર્ષમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે પશ્ચિમ બંગાળ માટે અનેક યોજનાઓ આપી છે, પણ રાજ્ય સરકાર એને લાગુ કરતી નથી. તેઓ અમને સવાલ પૂછી રહ્યા છે કે અમને કંઈ મળ્યું નથી?’
આ મુદ્દે TMCનાં સંસદસભ્ય મૌસમ નૂરે માલદામાં પૂરગ્રસ્તોની સમસ્યા ઉઠાવીને જણાવ્યું હતું કે ‘કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળને લેણાંની બાકીની રકમ ચૂકવી નથી જે આશરે એક લાખ કરોડ રૂપિયા જેટલી છે. દર ચોમાસામાં બંગાળની વિવિધ નદીઓમાં પૂર આવે છે, પણ એને રોકવા અને પૂરગ્રસ્તોને મદદ પહોંચાડવા કેન્દ્ર સરકાર કંઈ કરતી નથી. રાજ્યમાંથી પસાર થતી નદીઓ માર્ગ બદલી રહી છે અને ગંગા અને ફુલહર નદી હવે એકબીજાથી ૭૦૦ મીટર દૂર છે. જો એ બે નદી મળી જશે તો મોટા પાકને નુકસાન થશે. સરકારે આ મુદ્દે કંઈ વિચારવું જોઈએ.’
ADVERTISEMENT
બે રાજ્યોને પકોડાં-જલેબી, બાકીનાની થાળી ખાલી : ખડગે
રાજ્યસભામાં વિપક્ષના નેતા કૉન્ગ્રેસના મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો હતો કે બજેટમાં બે રાજ્યોને પકોડાં અને જલેબી મળી છે, પણ બાકીનાં રાજ્યોની થાળી ખાલી છે. આવા આરોપ કરીને કૉન્ગ્રેસ સહિત વિપક્ષના મેમ્બરોએ વૉકઆઉટ કર્યું હતું. એ સમયે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે ‘બજેટમાં દરેક રાજ્યનું નામ લેવામાં આવતું નથી અને કૉન્ગ્રેસે તો ઘણાં બજેટ રજૂ કર્યાં છે એટલે તેમને એની ખબર હોવી જોઈએ. કેન્દ્ર સરકાર અને વિવિધ એજન્સી પાસેથી મળતી રકમ અનેક યોજનાઓ માટે રાજ્યોને આપવામાં આવતી જ હોય છે અને દરેકનું નામ બજેટમાં લેવામાં આવતું નથી. મારો જવાબ સાંભળ્યા પહેલાં જ તેઓ સદન છોડીને જતા રહ્યા છે, એ લોકશાહી માટે યોગ્ય નથી.’