રેલવેના ૮૫,૦૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરીને નરેન્દ્ર મોદીએ કહ્યું...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)
વડા પ્રધાને અમદાવાદથી ૧૦ નવી વંદે ભારત ટ્રેનોને પણ લીલી ઝંડી દેખાડી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે અમદાવાદમાં ડેડિકેટેડ ફ્રેટ કૉરિડોરના ઑપરેશન કન્ટ્રોલ સેન્ટર ખાતેથી ૧,૦૬,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ કરીને કહ્યું હતું કે ‘રેલવેનું પરિવર્તન એ જ વિકસિત ભારતની ગૅરન્ટી છે. ભારતીય રેલવે આધુનિકતાની ગતિએ આગળ વધવાનું ચાલુ રાખશે, આ મોદીની ગૅરન્ટી છે.’
ADVERTISEMENT
નરેન્દ્ર મોદીએ મુંબઈ સહિત દસ નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે ‘આજની ઇવેન્ટના સ્કેલ અને કદને રેલવેના ઇતિહાસમાં અન્ય કોઈ ઘટના સાથે મૅચ કરી શકાય નહીં. લગભગ એક લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે જેમાં ૮૫ હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ રેલવેને સમર્પિત છે. અમારી સરકારે રેલવેને ખરાબ સ્થિતિમાંથી બહાર લાવવાની ઇચ્છાશક્તિ દર્શાવી છે. હવે રેલવેનો વિકાસ સરકારની ટોચની પ્રાથમિકતાઓમાં છે. અગામી પાંચ વર્ષમાં રેલવેનું પરિવર્તન કલ્પના કરતાં વધી જશે. આ ૧૦ વર્ષનું કામ માત્ર એક ટ્રેલર છે. મારે લાંબી મજલ કાપવાની છે.’