વંશીય હિંસાના આ મુદ્દે ચર્ચા શરૂ કરાવવા કેન્દ્ર સરકારને ફરજ પાડવાની કોશિશ
નવી દિલ્હીમાં સંસદના મૉન્સૂન સેશન દરમ્યાન ગઈ કાલે મણિપુરમાં વંશીય હિંસાના મુદ્દે ગૃહમાં પીએમ નરેન્દ્ર મોદીના સ્ટેટમેન્ટની ડિમાન્ડ કરી રહેલા લોકસભામાં વિપક્ષોના સંસદસભ્યો. પી.ટી.આઇ.
નવી દિલ્હી (પી.ટી.આઇ.)ઃ વિપક્ષોનું ઇન્ડિયા ગઠબંધન ઘણા સમયથી મણિપુરના મુદ્દે સંસદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્ટેટમેન્ટની માગણી કરી રહ્યું છે. હવે તેમણે મણિપુરમાં વંશીય હિંસાના મામલે પીએમ મોદીને સંસદમાં બોલાવવા માટે એક નિર્ણય કર્યો છે. તેઓ લોકસભામાં આજે કેન્દ્ર સરકારની વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે.
ગઈ કાલે સવારે ઇન્ડિયા (ઇન્ડિયન નૅશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ અલાયન્સ)માં સામેલ પાર્ટીઓની યોજાયેલી મીટિંગમાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી. સોર્સિસે જણાવ્યું હતું કે જુદાં-જુદાં ઑપ્શન્સ પર વિચાર કરવામાં આવ્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો કે આ મુદ્દે ચર્ચા શરૂ કરાવવા માટે કેન્દ્ર સરકારને ફરજ પાડવા માટે આ અસરકારક ઉપાય રહેશે. રાજ્ય સભામાં પણ મણિપુરના મુદ્દે કેન્દ્ર સરકારને સતત ઘેરવાની વિપક્ષોની વ્યૂહરચના છે.
વિપક્ષોની આ પહેલ વિશે પૂછવામાં આવતાં સંસદીય બાબતોના પ્રધાન પ્રહ્લાદ જોશીએ કહ્યું હતું કે ‘મને વિપક્ષોના પગલાની જાણ નથી, પરંતુ તેઓ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવા જઈ રહ્યા હોય તો તેમને ખબર હોવી જોઈએ કે ગયા વખતે તેઓ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા હતા ત્યારે બીજેપી ૩૦૦થી વધારે સીટ્સની મજબૂત બહુમતીથી સત્તા પર પાછી આવી હતી. ફરી એમ જ બનવાનું છે. અમને ૩૫૦થી વધારે સીટ્સ મળશે.’
લોકસભામાં ૨૦મી જુલાઈ, ૨૦૧૮ના રોજ પહેલી વખત મોદી સરકારની વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. એનડીએ (નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ) સરકારની શાનદાર જીત થઈ હતી. અવિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં માત્ર ૧૨૬ મત પડ્યા હતા.
જોકે વિપક્ષોનો ઇરાદો પાર પડ્યો હતો. તેમને ખેડૂતોની સમસ્યાઓ, આર્થિક મંદી તેમ જ મોબ-લિન્ચિંગની વધતી ઘટનાઓ જેવા અનેક મુદ્દે કેન્દ્ર સરકાર પર જોરદાર હુમલો કરવાની તક મળી હતી.