અસહ્ય ગરમી વચ્ચે ચેન્નઈમાં ઍર-શો જોવા પંદર લાખથી વધુ લોકો ઊમટી પડ્યા
ચેન્નઈના મરીના બીચ પર ઍર-શો
ગઈ કાલે ચેન્નઈના મરીના બીચ પર ઍર-શો જોવા ગયેલા ત્રણ જણનાં ગરમીને લીધે શ્વાસ રૂંધાઈ જવાથી મૃત્યુ થયાં હતાં. ૯૨મા ઇન્ડિયન ઍર ફોર્સ (IAF) ડેનું સેલિબ્રેશન જોવા માટે સવારે ૧૧ વાગ્યાથી જ મોટી સંખ્યામાં લોકો પહોંચવા લાગ્યા હતા. પંદર લાખથી પણ વધારે લોકો આ શો જોવા ભેગા થયા હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. અસહ્ય ગરમીને કારણે લોકો છત્રી ખોલીને શો જોતા જોવા મળ્યા હતા. જે ત્રણ જણનાં મૃત્યુ થયાં છે એમાંથી એક જણ હીટ-સ્ટ્રોકને લીધે મૃત્યુ પામ્યો હોવાનું ડૉક્ટરે કન્ફર્મ કર્યું હતું, જ્યારે ૨૦૦ લોકોને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા છે. બીચ પરની ગિરદીનો અંદાજ વેલાચેરી રેલવે-સ્ટેશને ટ્રેનની રાહ જોઈને ઊભા રહેલા લોકોને જોઈને આવી જાય છે. આપણે ત્યાં ટ્રેન મોડી પડે ને પ્લૅટફૉર્મ પર જે પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે એ હાલત ત્યાં જોવા મળી હતી. આટલાં વર્ષના ઇતિહાસમાં ત્રીજી વાર આ શોને દિલ્હીની બહાર લઈ જવામાં આવ્યો હતો. આ પહેલાં ૨૦૨૨માં ચંડીગઢ અને ૨૦૨૩માં પ્રયાગરાજમાં IAF ડેનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું.