કમ્પ્યુટર સિક્યૉરિટી કંપની મૅકએફી કૉર્પે એના લેટેસ્ટ રિપોર્ટમાં જણાવ્યું છે કે ઇન્ડિયન્સ હવે લવ-લેટર્સ લખવા માટે ચૅટજીપીટીનો ઉપયોગ કરી રહ્યા છે
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક
નવી દિલ્હી: આખી દુનિયામાં વૅલેન્ટાઇન્સ ડેના સેલિબ્રેશન માટે તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ગ્લોબલ કમ્પ્યુટર સિક્યૉરિટી કંપની મૅકએફી કૉર્પે એના લેટેસ્ટ રિપોર્ટમાં જણાવ્યું છે કે ઇન્ડિયન્સ હવે લવ લેટર્સ લખવા માટે ચૅટજીપીટીનો ઉપયોગ કરી રહ્યા છે. આ રિપોર્ટ અનુસાર ૭૮ ટકા ભારતીયોને માણસ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ટૂલ દ્વારા લખવામાં આવેલા લવ મેસેજિસની વચ્ચેનો ફરક સમજવો મુશ્કેલ જણાય છે.
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને ઇન્ટરનેટ કેવી રીતે રોમેન્ટિક રિલેશનશિપ્સને અસર કરે છે એ સમજવા માટે મૅકએફીના મૉડર્ન લવ રિસર્ચ રિપોર્ટમાં જુદા-જુદા નવ દેશોના પાંચ હજાર લોકોને સવાલો પૂછવામાં આવ્યા હતા. ૨૭મી જાન્યુઆરીથી પહેલી ફેબ્રુઆરી વચ્ચે ઈ-મેઇલ દ્વારા આ સર્વે કરવામાં આવ્યો હતો. જેના પછી સર્વેનાં તારણોનું ઍનૅલિસિસ કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
આ સર્વેનાં તારણો અનુસાર ૬૨ ટકા ભારતીયોનું આ વૅલેન્ટાઇન્સ ડે પર લવ લેટર્સ લખવા માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવાનું પ્લાનિંગ છે, જ્યારે ૭૩ ટકા ભારતીયો તેમની ડેટિંગ પ્રોફાઇલ્સને ઇમ્પ્રૂવ કરવા માટે ચૅટજીપીટી જેવા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ટૂલ્સનો ઉપયોગ કરે છે.
૫૯ ટકા લોકોએ એમ પણ જણાવ્યું હતું કે જ્યારે તેઓ ઘોસ્ટરાઇટર તરીકે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરે છે ત્યારે તેઓ વધુ કૉન્ફિડન્ટ ફીલ કરે છે. એ સિવાય આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ટૂલ્સનો ઉપયોગ કરવાનાં અન્ય કારણોમાં સમયનો અભાવ (૩૨ ટકા) સામેલ છે.
રિસ્ક ફૅક્ટર
આ રિપોર્ટ અનુસાર ગ્લોબલી ૬૬ ટકાની સરેરાશની સામે આ સર્વેમાં ભાગ લેનારા ૮૯ ટકા ભારતીયોએ સોશ્યલ મીડિયા પર અજાણી વ્યક્તિઓની સાથે સીધી વાત કરી હોવાનું જણાવ્યું હતું. જોકે ચિંતાની વાત એ છે કે ૭૬ ટકા ભારતીયોએ સ્વીકાર્યું હતું કે ઑનલાઇન ખોટી ઓળખ આપીને કોઈએ તેમને છેતર્યા હતા કે પછી તેઓ એવી વ્યક્તિઓને જાણે છે કે જેમને આ રીતે છેતરવામાં આવ્યા હતા. મૅકએફીએ જણાવ્યું હતું કે સાઇબરક્રિમિનલ્સ ઑનલાઇન પ્રેમની શોધ કરી રહેલા લોકોને ટાર્ગેટ કરે છે. આ સર્વે અનુસાર ઑનલાઇન અજાણી વ્યક્તિઓની સાથે વાતચીત કરનારા ૭૬ ટકા ભારતીયોને રૂપિયા મોકલવા માટે રિક્વેસ્ટ કરવામાં આવી હતી.