ભારતમાં કોરોના વાઇરસની એન્ટ્રી : કેરળમાં પ્રથમ પૉઝિટિવ કેસ નોંધાયો
કોરોના વાઈરસનો હાહાકાર
ચીનમાં હાહાકાર મચાવનાર કોરોના વાઇરસનો પ્રથમ પૉઝિટિવ કેસ ભારતમાં સામે આવ્યો છે. કેરળમાં ચીનથી પરત ફરેલ વિદ્યાર્થીને કોરોના વાઇરસ હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. વિદ્યાર્થી ચીનની વુહાન યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યો હતો. દરદીની સ્થિતિ હાલમાં સ્થિર છે અને ડૉક્ટર તેની તપાસ કરી રહ્યા છે. જણાવીએ કે ચીનમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસથી ૧૭૦ લોકોનાં મોત થયાં છે.
બીજી બાજુ ગાઝિયાબાદ અને ગુડગાંવમાં પણ શંકાસ્પદ દરદીનો કેસ સામે આવ્યો છે. આ દરદી હાલમાં જ ચીનથી પરત ફર્યો છે. આ પહેલાં જયપુર, મુંબઈ, બિહારના છપરામાં શંકાસ્પદ કેસ સામે આવ્યો હતો. જોકે દિલ્હીની હૉસ્પિટલ અને ઍરપોર્ટ પર તેની તપાસ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. ઍરપોર્ટ પર કોરોના વાઇરસની તપાસ થઈ રહી છે. દિલ્હીના રામ મનોહર લોહિયા હૉસ્પિટલમાં પણ તપાસની સુવિધા છે.
ADVERTISEMENT
બુધવારે દિલ્હી પહોંચેલ ગુડગાંવના બે જણને ઍરપોર્ટ પર રોકી તેમની તપાસ કરવામાં આવી અને શરૂઆતની સારવાર આપવામાં આવી. તેમને શરદી અને ગળામાં દુખાવાની તકલીફ હતી. સંપૂર્ણ તપાસ બાદ બન્નેને ઘરે જવા દેવામાં આવ્યા સાથે જ એની જાણકારી જિલ્લા સ્વાસ્થ્ય વિભાગને આપવામાં આવી છે જેથી વિભાગ તેમનો સંપર્ક કરી શકે અને તેમના પર ધ્યાન રાખી શકે. જ્યારે એક શંકાસ્પદ કેસ ગાઝિયાબાદમાં મળી આવ્યો છે. ડૉક્ટરોએ ૮ દિવસ પહેલાં ચીનથી આવીને ઇન્દિરાપુરમમાં પોતાના ભાઈની પાસે રોકાયેલ યુવતીમાં કોરોના વાઇરસ હોવાની શંકા વ્યક્ત કરી છે.