વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના વર્ધામાં કૉન્ગ્રેસ પર તાક્યું તીર
ગઈ કાલે વર્ધામાં કાર્યક્રમના સ્થળે આયોજિત એક્ઝિબિશનમાં ભગવાન વિશ્વકર્માની પ્રતિમાને વંદન કરતા નરેન્દ્ર મોદી.
કર્ણાટકમાં ગણપતિની મૂર્તિને પોલીસની વૅનમાં મૂકવાની ઘટના પર મૌન રહેનારા ઉદ્ધવ ઠાકરેને પણ નિશાના પર લીધા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે મહારાષ્ટ્રના વર્ધામાં પી. એમ. વિશ્વકર્મા યોજનાના કાર્યક્રમમાં પહોંચ્યા ત્યારે તેમણે કૉન્ગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેને નિશાના પર લીધાં હતાં. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસે તેલંગણમાં કર્જમાફીની જાહેરાત કરી હતી, પણ સરકાર બનાવ્યા બાદ ફરી ગઈ. મહારાષ્ટ્રમાં આપણે કૉન્ગ્રેસના વિશ્વાસઘાતથી સાવધ રહેવું જોઈએ. મહારાષ્ટ્રમાં અમારી સરકાર હતી ત્યારે મહત્ત્વના અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા, પણ વચ્ચે એક સરકાર આવી એણે બધાં કામ અટકાવી દીધાં હતાં. જે કૉન્ગ્રેસ પક્ષ અને એના સાથી પક્ષોએ ખેડૂતોનું નુકસાન કર્યું છે એમને ફરી તક નહીં આપો. કૉન્ગ્રેસનો એક જ મંત્ર છે : ખોટું બોલવું, લોકોને ગેરમાર્ગે દોરવા અને બેઈમાની કરવી. કૉન્ગ્રેસ દેશની સૌથી ભ્રષ્ટ અને બેઈમાન પાર્ટી છે. આજની કૉન્ગ્રેસ પાર્ટી મહાત્મા ગાંધીની નથી. આજની કૉન્ગ્રેસની દેશભક્તિનો આત્મા મૃત્યુ પામ્યો છે. આજની કૉન્ગ્રેસમાં દ્વેષનું ભૂત છે. આજે કૉન્ગ્રેસના નેતાઓની ભાષા જુઓ. પરદેશમાં જઈને દેશવિરોધી એજન્ડા ચલાવે છે. સમાજને તોડવો, દેશમાં ફૂટ પાડવી પર તેઓ વધુ બોલે છે. ટુકડે-ટુકડે ગૅન્ગ અને અર્બન નક્સલોને કૉન્ગ્રેસ જ ચલાવે છે. પાર્ટીમાં આસ્થા હોય તે ગણપતિની પૂજાનો વિરોધ ન કરે. આ લોકોને હું ગણપતિની પૂજા કરું એની સામે પણ વાંધો છે. કૉન્ગ્રેસના પાપનો બદલો લેવાનો છે, આપણે વિકાસ કરવાનો છે. આપણે સાથે રહીને મહારાષ્ટ્રની અસ્મિતા બચાવીશું, આપણે મળીને મહારાષ્ટ્રનું સપનું પૂરું કરીશું.’
ADVERTISEMENT
ઉદ્ધવ ઠાકરેનું મૌન શું સૂચવે છે?
વડા પ્રધાને કર્ણાટકમાં ગણેશોત્સવ દરમ્યાન ગણપતિની મૂર્તિને વિસર્જન કરવા માટે લઈ જવાતી હતી ત્યારે વિવાદ થતાં મૂર્તિને પોલીસની વૅનમાં મૂકી હતી એ વિશે કહ્યું હતું કે આ જોઈને દેશ સ્તબ્ધ થઈ ગયો હતો. ઉદ્ધવ ઠાકરેનું નામ લીધા વિના તેમણે કહ્યું હતું કે ‘આ ઘટના વિશે મહારાષ્ટ્રના કૉન્ગ્રેસના સહયોગી પક્ષના વડા કેમ ચૂપ છે? શું તેમને કૉન્ગ્રેસનો રંગ ચડ્યો છે? ગણપતિનું અપમાન કરનારી કૉન્ગ્રેસને સવાલ કરવાની હિંમત તેમનામાં નથી રહી?’
એક લાખ લાભાર્થીઓને સ્કિલ સર્ટિફિકેટ અપાયાં
પીએમ વિશ્વકર્મા યોજનાને એક વર્ષ પૂરું થયું એ નિમિત્તે વર્ધામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ વિશ્વકર્મા યોજનાના એક લાખ લાભાર્થીઓને ઑનલાઇન સ્કિલ સર્ટિફિકેટ વહેંચ્યાં હતાં અને ૭૫,૦૦૦ લાભાર્થીઓને લોનના ડૉક્યુમેન્ટ્સ સોંપ્યા હતા. એ સમયે વડા પ્રધાને આચાર્ય ચાણક્ય કૌશલ વિકાસ કેન્દ્ર યોજનાની શરૂઆત કરી હતી જેમાં ૧૫થી ૪૫ વર્ષના યુવાઓને ટ્રેઇનિંગ આપવામાં આવશે. મહારાષ્ટ્રના અંદાજે દોઢ લાખ યુવાઓને દર વર્ષે આ ફ્રી કૌશલ વિકાસ પ્રશિક્ષણ આપવામાં આવશે.