આવતા વર્ષે યોજાનારી ચૂંટણી પહેલાં વિરોધ પક્ષોને સાથે લાવવા માટેનો આ પ્રથમ ઔપચારિક પ્રયાસ હતો.
નવી દિલ્હીમાં ગઈ કાલે કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તેમના નિવાસસ્થાને બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર, કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી, બિહારના નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ અને જનતા દળ (યુ)ના અધ્યક્ષ રાજીવ રંજન સિંહની સાથે. તસવીર પી.ટી.આઇ.
બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર અને નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવે ગઈ કાલે કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીની સાથે એક મીટિંગ કરી હતી, જેમાં ૨૦૨૪માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં બીજેપીનો સામનો કરવા માટે શક્ય એટલા વિરોધ પક્ષોને સાથે લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ મીટિંગ પછી સંયુક્ત પ્રેસ-કૉન્ફરન્સને સંબોધતાં ખડગેએ જણાવ્યું હતું કે ‘વિરોધ પક્ષો સાથે મળીને બંધારણ અને લોકશાહીનું રક્ષણ કરશે અને સાથે મળીને દેશને એક નવી દિશા આપશે.’ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘વિરોધ પક્ષો સાથે મળીને દેશ માટે એક વિઝન ડેવલપ કરશે અને લોકો સમક્ષ એને રજૂ કરશે.’
ADVERTISEMENT
આવતા વર્ષે યોજાનારી ચૂંટણી પહેલાં વિરોધ પક્ષોને સાથે લાવવા માટેનો આ પ્રથમ ઔપચારિક પ્રયાસ હતો. કૉન્ગ્રેસના અધ્યક્ષ આગામી થોડા દિવસમાં જુદી-જુદી પાર્ટીઓના ટોચના લીડર્સને મળશે.
તેમણે જણાવ્યું હતું કે ‘અમે ઐતિહાસિક મીટિંગ કરી. અનેક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી અને અમે નિર્ણય કર્યો છે કે અમે તમામ પાર્ટી એક થઈને આગામી ચૂંટણી લડીશું અને અમે બધા એના માટે કામ કરીશું.’
જનતા દળ (યુનાઇટેડ), રાષ્ટ્રીય જનતા દળ અને કૉન્ગ્રેસે મળીને બિહારમાં ગઠબંધન સરકાર રચી છે.