પીલીભીતના બનાવટી એન્કાઉન્ટરનો બદલો લીધો- રવિવારે સેક્ટર ૧૯માં થયેલા બ્લાસ્ટની જવાબદારી ઈ-મેઇલ મોકલીને સ્વીકારી
ઘટનાસ્થળની તસવીરો
પ્રયાગરાજના મહાકુંભમાં સિલિન્ડર બ્લાસ્ટ ઘટનાની જવાબદારી આતંકવાદી સંગઠન ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સે લીધી છે. આ સંગઠને કેટલાંક મીડિયા હાઉસને આ મુદ્દે ઈ-મેઇલ મોકલ્યા છે. આ ઈ-મેઇલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ બ્લાસ્ટ થકી પીલીભીતમાં કરવામાં આવેલા એન્કાઉન્ટરનો બદલો લેવામાં આવ્યો છે, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને અલર્ટ કરવા આમ કર્યું છે.
આ ઈ-મેઇલની પુષ્ટિ મીડિયા હાઉસોએ કરી નથી. એમાં લખવામાં આવ્યું છે કે ‘ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સ કુંભમેળામાં થયેલા ટ્વિન બ્લાસ્ટની જવાબદારી લે છે. એનો ઉદ્દેશ કોઈને નુકસાન પહોંચાડવાનો નહોતો, માત્ર મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને તેમના કૂતરાઓને એક ચેતવણી હતી કે ખાલસા તમારી નજીક છે અને પીલીભીત બનાવટી એન્કાઉન્ટરમાં અમારા ત્રણ ભાઈઓની હત્યાનો આ બદલો છે. આ હજી શરૂઆત છે. ખાલિસ્તાન ઝિંદાબાદ.’
ADVERTISEMENT
શું થયું હતું રવિવારે?
રવિવારે સાંજે ચાર વાગ્યે સેક્ટર 19માં ગીતા પ્રેસના કૅમ્પમાં આગ લાગી હતી જેમાં ૨૦૦ ટેન્ટ સળગી ગયા હતા. ઑફિસરોના કહેવા મુજબ નાના સિલિન્ડરથી ચા બનાવતી વખતે એમાં લીકેજ થયું હતું અને આગ લાગી હતી.