સુપ્રીમ કોર્ટે ગઈ કાલે કેન્દ્ર સરકારને ગુજરાતમાં ૨૦૦૨માં થયેલાં કોમી રમખાણો પરની બીબીસીની ડૉક્યુમેન્ટરીને બ્લૉક કરવાના એના નિર્ણયના સંબંધમાં ઓરિજિનલ રેકૉર્ડ્સ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી (પી.ટી.આઇ.)ઃ સુપ્રીમ કોર્ટે ગઈ કાલે કેન્દ્ર સરકારને ગુજરાતમાં ૨૦૦૨માં થયેલાં કોમી રમખાણો પરની બીબીસીની ડૉક્યુમેન્ટરીને બ્લૉક કરવાના
એના નિર્ણયના સંબંધમાં ઓરિજિનલ રેકૉર્ડ્સ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. સિનિયર પત્રકાર એન. રામ, તૃણમૂલ કૉન્ગ્રેસના સંસદસભ્ય મહુઆ મોઇત્રા, ઍક્ટિવિસ્ટ અને લૉયર પ્રશાંત ભૂષણ અને લૉયર એમ. એલ. શર્માની અરજીઓ પર જસ્ટિસ સંજીવ ખન્ના અને એમ. એમ. સુન્દ્રેશની બેન્ચે સરકારને નોટિસ મોકલી હતી. આ મામલે એપ્રિલમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. શર્માએ અલગ અરજી કરી હતી અને એને હવે આ ડૉક્યુમેન્ટરીને બ્લૉક કરવાના સરકારના નિર્ણયને પડકારતી અન્ય અરજીઓની સાથે જોડી દેવામાં આવી છે. સુનાવણીની શરૂઆતમાં બેન્ચે અરજી કરનારાઓને સવાલ કર્યો હતો કે શા માટે તેઓ હાઈ કોર્ટમાં ગયા નથી. અરજી કરનારાઓ તરફથી હાજર સિનિયર ઍડ્વોકેટ સી. યુ. સિંહે જણાવ્યું હતું કે સરકારે આ ડૉક્યુમેન્ટરીને બ્લૉક કરવા માટે ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી રુલ્સ હેઠળના ઇમર્જન્સી અધિકારોનો ઉપયોગ કર્યો છે. એક અરજી કરનારે એવો પણ આરોપ મૂક્યો હતો કે ‘ઇન્ડિયા : ધ મોદી ક્વેશ્ચન’ ડૉક્યુમેન્ટરી પરનો બૅન બદઇરાદાવાળો, મનસ્વી અને ગેરબંધારણીય છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે એ પણ એક હકીકત છે કે બ્લૉક કરવાનો આદેશ છતાં લોકો આ ડૉક્યુમેન્ટરીને જોઈ રહ્યા છે.