કેન્દ્ર સરકાર અને NTAએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે તેમણે ૧૫૬૩ સ્ટુડન્ટ્સને આપવામાં આવેલા ગ્રેસ માર્ક કૅન્સલ કરી દીધા છે
મલ્લિકાર્જુન ખડગે
નૅશનલ એન્ટ્રન્સ એલિજિબિલિટી ટેસ્ટ (NEET) ૨૦૨૪ પરીક્ષામાં થયેલી ગરબડના આરોપો વિશે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા તપાસની માગણી કરતી અરજીઓની સુપ્રીમ કોર્ટ ૮ જુલાઈએ સુનાવણી હાથ ધરશે. કોર્ટે કેન્દ્ર સરકારને ક્વેશ્ચન પેપર લીક થવા વિશે અને અન્ય ગેરરીતિઓ વિશે તેમનો પ્રતિભાવ આપવા માટે જણાવ્યું છે.
નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા કેટલાક સ્ટુડન્ટ્સને ખોટી રીતે પ્રકાશિત પ્રશ્નોના મુદ્દે ગ્રેસ માર્ક આપવામાં આવતાં મોટો વિવાદ ઊભો થયો છે. કેન્દ્ર સરકાર અને NTAએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે તેમણે ૧૫૬૩ સ્ટુડન્ટ્સને આપવામાં આવેલા ગ્રેસ માર્ક કૅન્સલ કરી દીધા છે. જોકે આ સ્ટુડન્ટ્સને MBBS અને અન્ય મેડિકલ કોર્સમાં ઍડ્મિશન મળ્યું છે. આ સ્ટુડન્ટ્સ પાસે ગ્રેસ માર્ક નહીં ગણવા અથવા ફરી ટેસ્ટ આપવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.
ADVERTISEMENT
NEET-UGની પરીક્ષામાં ગેરરીતિ એ વ્યાપમ 2.0, પણ મોદી ચૂપ છે : ખડગે
NEET-UG 2024 પરીક્ષામાં થયેલી ગરબડના આરોપો ગાજી રહ્યા છે ત્યારે કૉન્ગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ગઈ કાલે આ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ચુપકીદી વિશે સવાલ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે ‘સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળની ફૉરેન્સિક તપાસ જ લાખો સ્ટુડન્ટ્સનું ભવિષ્ય બચાવી શકે એમ છે. આ કૌભાંડ મધ્ય પ્રદેશમાં થયેલા વ્યાપમ જેવું વ્યાપમ 2.0 કૌભાંડ છે.’
ખડગેએ કહ્યું હતું કે ‘જો શિક્ષણપ્રધાન એમ કહેતા હોય કે કોઈ ગેરરીતિ આચરવામાં આવી નથી તો બિહારમાં પેપરલીકના મામલે ૧૩ લોકોની ધરપકડ કેમ થઈ છે? પટનામાં એજ્યુકેશન માફિયા અને ઑર્ગેનાઇઝ્ડ ગૅન્ગો સંડોવાયેલાં છે. તેમનાં ૩૦ લાખથી ૫૦ લાખનાં પેમેન્ટની જાણકારી મળી છે. આ કૌભાંડમાં ગોધરામાં પણ ચીટિંગ કેસ પકડાયો છે અને ત્રણ જણની સંડોવણી જોવા મળી છે. ૧૨ કરોડ રૂપિયાના વ્યવહાર થયા છે. જો પેપર લીક નથી થયાં તો આટલી બધી ધરપકડો કેમ થાય છે? મોદીએ દેશના ૨૪ લાખ યુવાનોના ભવિષ્યના સપનાને કચડી નાખ્યું છે.’
કોઈને અન્યાય નહીં થાય ધર્મેન્દ્ર પ્રધાનની ખાતરી
NEET-UG 2024 પરીક્ષા આપનારા સ્ટુડન્ટ્સની ચિંતા સમજી લેવા માટે ગઈ કાલે કેન્દ્રના શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન કેટલાક સ્ટુડન્ટ્સને મળ્યા હતા અને તેમને ખાતરી આપી હતી કે કોઈ પણ સ્ટુડન્ટને અન્યાય નહીં થાય. ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે ‘સરકાર આ મુદ્દે સ્પષ્ટ છે અને NEET-UG 2024 પરીક્ષાના મુદ્દે પારદર્શક પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જે સ્ટુડન્ટ્સ મને મળવા માગતા હતા તેમને હું મળ્યો હતો અને તેમની સાથે તેમનાં માતા-પિતા પણ આવ્યાં હતાં. હું તેમને મળ્યો અને તેમની બાજુ જાણી લીધી. મેં તેમને સધિયારો આપવાનો પ્રયાસ કર્યો છે. સરકાર આ મુદ્દે કટિબદ્ધ છે અને દરેક સ્ટુડન્ટ્સ એ જાણી લે કે સરકાર આ મુદ્દે એકદમ પારદર્શક પ્રક્રિયા હાથ ધરશે.’