દેશ અને રાષ્ટ્રોની પણ કેવી કહાણી છે, જેને સંઘર્ષ અને સિદ્ધિના અનેક પડાવો પાર કરવાના આવે છે!
પ્રતીકાત્મક તસવીર
આજકાલ બે મોટી લોહિયાળ લડાઈ ચાલી રહી છે. કોણ હારશે કે કોણ જીતશે એટલા ઘમસાણ યુદ્ધ પછી પણ નક્કી નથી થઈ શક્યું. યુક્રેન અને રશિયામાં આવી સ્થિતિ છે, તો ગાઝા-પૅલેસ્ટીન અને ઇઝરાયલ વચ્ચે પણ હુમલા અને ખુવારી સિવાય કોઈ ઉપાય દેખાતો નથી. આ બધાની વચ્ચે એક મોટો સવાલ ચર્ચાઈ રહ્યો છે કે આખરે ‘દેશ’નું શું થશે? કેવી રીતે એને ‘રાષ્ટ્ર’ તરીકે બચાવી શકીશું? બે વિશ્વયુદ્ધોએ અનેક દેશોનું નામોનિશાન મિટાવી દીધું અને નવા દેશો પણ સર્જાયા. કેટલાકના ભાગલા થયા અને અલગ દેશો રચાયા. આમાં પરંપરાની નજરે રાષ્ટ્રની વ્યાખ્યા હતી, એ પણ બદલાતી ગઈ. રશિયા યુએસએસઆર ન રહ્યું. હંગેરી, ચેકોસ્લોવેકિયા, પોલૅન્ડ વગેરેએ પોતાની અસ્મિતા પ્રાપ્ત કરી. યુક્રેન વિશે પણ આવો વિવાદ છે. રશિયા એની સંપૂર્ણ નાબૂદી નથી ઇચ્છતું, પીએન પોતાનો પડછાયો બનીને રહે. નાટોમાં ન ભળે એવું દૃઢતાથી માને છે, કેમ કે જો યુક્રેન અમેરિકા અને યુરોપની સાથે થઈ જાય તો રશિયન સત્તા નબળી પડે.
યુક્રેનનો મિજાજ આટલાં વર્ષો સ્વતંત્ર રહ્યા પછી પોતાના અધિકાર માટે વધુ સજાગ બન્યો છે. ઝેલેન્સ્કી એ પ્રજાનો અવાજ બની ગયો છે. અમેરિકા, ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ એને ટેકો આપે એ સ્વાભાવિક છે. ગોર્બાચોફનાં ઐતિહાસિક પગલાંઓથી રશિયા સામ્યવાદી પરંપરાથી મુક્ત થયું અને એનાં રાજ્યો પોતાની રીતે અસ્તિત્વમાં આવ્યાં, પણ પુતિનનો કોઈ આદર્શ હોય તો એટલો જ કે પોતાની સત્તા સાથેનું રશિયા ટકાવી રાખવું. એક રશિયન આલોચકે તો એવું પણ કહ્યું છે કે બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન રશિયન પ્રજા પોતાની જન્મભૂમિ (જેને પિતૃભૂમિ - ફાધરલૅન્ડ ગણવામાં આવી હતી) પ્રત્યે જે પ્રચંડ પ્રેમ અને શ્રદ્ધા રાખતી હતી એવું હવે દેખાતું નથી. કારણ એ છે કે સ્ટૅલિનથી પુતિન એકસરખા રાજકીય સત્તાના મહત્ત્વાકાંક્ષીઓ છે એ પ્રજા જાણી ચૂકી છે. યુક્રેન સામેના યુદ્ધને નિરર્થક માનનારો એક મોટો વર્ગ ત્યાં અસ્તિત્વમાં આવ્યો છે, જે આ લડાઈનો વિરોધ કરે છે. પુતિન એને સામ-દામ-દંડ-ભેદથી નષ્ટ કરી રહ્યો છે. કેટલાકનાં તો રહસ્યમય મૃત્યુ થયાં છે.એના બીજા છેડે યુક્રેનની પ્રજા પોતાના દેશને બચાવવા અડીખમ છે. દુનિયાના જુદા-જુદા દેશોમાં સ્થાયી થયેલા યુક્રેનવાસીઓ સ્વદેશ પાછા ફર્યા છે અને રશિયા સામેના યુદ્ધમાં સૈનિક બનીને સામેલ થયા છે. હવે તો ત્યાંના કવિઓ અને નાટ્યકારો પણ એવું સર્જન કરી રહ્યા છે, જેમાં પડકારનો મિજાજ વ્યક્ત થાય છે. તેઓ યુદ્ધ નથી ઇચ્છતા, પણ રશિયાની સામે પરાસ્ત થઈને સ્વાભિમાન ગુમાવવા માગતા નથી. કેટલીક વાર યુદ્ધ પણ પ્રજાનું ઘડતર કરે છે.
ADVERTISEMENT
આવું ગૌરવ પૅલેસ્ટીનમાં છે ખરું? મૂળભૂત રીતે એક અવાસ્તવિક ઝનૂન અહીં પ્રભાવી છે. ઇઝરાયલનું અસ્તિત્વ જ ગાઝા, હમાસ, પૅલેસ્ટીન અને બીજા ઇસ્લામિક દેશો સાંખી શકતા નથી. બીજા વિશ્વયુદ્ધ પછી જન્મ પામેલો આ યહૂદીઓનો દેશ હવે વાસ્તવિક અસ્તિત્વ ધરાવે છે એવું માનવાને તેઓ તૈયાર નથી. યહૂદીઓ પ્રત્યે જે ઘૃણા, તિરસ્કાર અને ખુન્નસ દાખવવામાં આવ્યાં એ ભૂતકાળ બની ગયો. આજે ઇઝરાયલ અને યહૂદીઓ ગમે એવા હત્યાકાંડ વચ્ચે ‘નેક્સ્ટ યર ઇન જેરુસલેમ’ની પ્રાર્થના અને સંકલ્પ સાથે જીવ્યા, તેમણે જમીનના આ ટુકડાને દેશમાં પરિવર્તિત કરીને સ્વાભિમાની રાષ્ટ્રની સંકલ્પના સિદ્ધ કરી છે એનો સ્વીકાર હજી મોટા ભાગના ઇસ્લામિક દેશો સ્વીકાર નથી કરી શક્યા એ તેના મજહબી ઝનૂનનું પરિણામ છે. આ કારણોથી ઇઝરાયલ પણ પ્રતિક્રિયા સાથે ગાઝા પટ્ટીને વેરવિખેર કરવા એના પર તૂટી પડ્યું છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની અપીલો પણ કારગત નીવડી નથી. ઇઝરાયલને પણ યુદ્ધથી પોતાના દેશની થતી ખુવારીનો પૂરો અંદાજ છે, પણ જ્યારે કોઈ એક ઝનૂન બીજાને સમાપ્ત કરવા ઇચ્છે ત્યારે એ દેશ વધુ આક્રમક થાય એ સ્વાભાવિક છે.
આ માનસિકતા સમગ્ર દુનિયામાં છે. પાડોશનું ઉદાહરણ મ્યાનમારનું છે. એક રીતે ત્યાં આંતરિક વિગ્રહ લાગે, પણ એવું નથી. બર્મા એટલે કે મ્યાનમારની પોતાની અસ્મિતા છે, ત્યાં પણ અગાઉ અનેક પ્રજાપ્રિય નેતાઓ થયા હતા. આજે એનું પ્રતિનિધિત્વ વર્તમાન સૈનિકી શાસન નહીં, પણ આંગ સાન સૂ કી કરે છે. લોકશાહી શાસન માટે તેણે લાંબા સમયનો જેલવાસ ભોગવ્યો છે, પોતાના પતિના દૂર દેશમાં અવસાનનો આઘાત અનુભવ્યો છે. આંગ સાન સૂ કીને મળેલું નોબેલનું શાંતિ પરિતોષિક લેવા પણ તે જઈ શકી નહોતી. સૈનિકી શાસને બર્માને બેહાલ કરી મૂક્યું છે. રોજેરોજ હત્યાઓ અને હુમલાઓ થાય છે. સેંકડો સામાન્ય નાગરિકો જેલમાં છે. બૌદ્ધ પેગોડા નષ્ટ થઈ રહ્યા છે. રોહિંગ્યા તો જુદા-જુદા દેશોમાં હિજરતી બન્યા અને એ દેશો માટે સમસ્યા બની ગયા. આંગ સાન સૂ કી એક વાર ભારે બહુમતીથી ચૂંટાયાં, પણ સૈનિકી શાસને એ સરકારને માન્ય જ ન કરી!
દેશ તરીકેની સૌથી ગંભીર સમસ્યા તિબેટની છે. ચીને ત્યાં પોતાની સત્તા સ્થાપી દીધી અને તિબેટના સર્વોચ્ચ નેતા, ધર્મગુરુ દલાઈ લામાને ખ્યાલ આવી ગયો કે ચીની સામ્યવાદમાં સામ્રાજ્યવાદ પણ એટલો જ ભળેલો છે, એ તિબેટની સંસ્કૃતિ અને ધર્મને સમાપ્ત કરશે અને એનો પડછાયો બનીને રહે એવું આધિપત્ય જમાવશે એટલે તેમણે સેંકડો તિબેટીઓ સાથે સ્થળાંતર કરીને ભારતમાં આશ્રય લીધો. તેમની સરકાર ભલે કાગળ પર હોય, પણ ધર્મશાળા એનું મુખ્ય મથક છે. બરાબર યહૂદીઓના ભૂતકાળની જેમ પોતાના પ્રિય વતન તિબેટને કાયમ હૃદયમાં રાખીને ‘ક્યારેક તો સ્વાધીન તિબેટની ભૂમિની ધૂળ મસ્તક પર ચડાવીશું’ એમ સંકલ્પબદ્ધ છે.
દેશ અને રાષ્ટ્રોની પણ કેવી કહાણી છે, જેને સંઘર્ષ અને સિદ્ધિના અનેક પડાવો પાર કરવાના આવે છે!

