શિવાલય પાર્કમાં ૧૨ જ્યોતિર્લિંગ, ચારધામ અને ભારતનાં મહત્ત્વનાં મંદિરોની પ્રતિકૃતિ જોવા મળશે.
મહાકુંભ ડાયરી
કુંભ મેળો
પ્રયાગરાજમાં કુંભમેળાના આયોજનના સ્થળે ૧૦ એકરમાં શિવાલય પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે અને એમાં વાપરવામાં આવેલી તમામ વસ્તુઓ વેસ્ટ મટીરિયલ છે. આ પાર્ક બનાવવા માટે ૨૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
ADVERTISEMENT
શિવાલય પાર્કમાં ૧૨ જ્યોતિર્લિંગ, ચારધામ અને ભારતનાં મહત્ત્વનાં મંદિરોની પ્રતિકૃતિ જોવા મળશે. કુંભમેળામાં જનારા તમામ ભાવિકે આ પાર્કની મુલાકાત લેવી આવશ્યક બની જાય એટલો સરસ રીતે આ પાર્ક બનાવવામાં આવ્યો છે.
ગંગા ઘાટ પર આ પાર્ક બનાવવામાં આવ્યો છે. અહીં ૧૨ જ્યોતિર્લિંગોની પ્રતિકૃતિ વેસ્ટ મટીરિયલમાંથી તૈયાર થઈ છે છતાં એ ભવ્ય અને મનોહર લાગે છે, એ અસલી મંદિર લાગે છે. દરેક મંદિરની સામે એનું નામ લખવામાં આવ્યું છે. આ મંદિરોની ખૂબસૂરતી અને કળા જોઈને લોકો એને ભારતીય વાસ્તુકળાનો અદ્ભુત નમૂનો માને છે.
પાર્કમાં પ્રવેશ કરતાં સમુદ્રમંથનનું દૃશ્ય નજરે પડે છે. વાસુકિ નાગની રસ્સી બનાવી દેવ અને દાનવોને મંથન કરતાં દર્શાવવામાં આવ્યા છે અને વિશાળકાય નંદી અને ત્રિશૂલ એની ભવ્યતા વધારે છે.
ભારતનો વિશાળ નકશો બનાવવામાં આવ્યો છે અને એની બૉર્ડર પર પ્રતીકાત્મક વિશાળ નદી તૈયાર કરવામાં આવી છે, જેમાં બોટિંગ કરતાં જાણે ભારતની પ્રદક્ષિણા કરી હોય એવો ભાવ જાગે છે. આમ આ પાર્ક અધ્યાત્મ અને રોમાંચનો અનુભવ આપે છે. પાર્કમાં અઠવાડિયાના દિવસોમાં ૫૦ અને વીક-એન્ડમાં ૧૦૦ રૂપિયાની એન્ટ્રી-ફી રાખવામાં આવી છે.