Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જોશીમઠના જોખમી વિકાસે આપ્યું વિનાશને આમંત્રણ

જોશીમઠના જોખમી વિકાસે આપ્યું વિનાશને આમંત્રણ

Published : 08 January, 2023 08:04 AM | IST | Joshimath
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક્સપર્ટ્‍સ અને સ્થાનિક લોકોએ ચેતવણી આપી હોવા છતાં એની ધરાર અવગણના કરીને કન્સ્ટ્રક્શન અને વિકાસ કામગીરી થવા દીધી, જેને કારણે ઉત્તરાખંડમાં જોશીમઠ હવે જાણે કે ટાઇમબૉમ્બ પર બેઠું છે

ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના જોશીમઠમાં ગઈ કાલે ભૂસ્ખલનને કારણે મકાનોમાં આવી ભયાનક તિરાડો પડી હતી. તસવીર: પી.ટી.આઇ.

ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના જોશીમઠમાં ગઈ કાલે ભૂસ્ખલનને કારણે મકાનોમાં આવી ભયાનક તિરાડો પડી હતી. તસવીર: પી.ટી.આઇ.


જોશીમઠ : ઉત્તરાખંડના જોશીમઠમાં સરકારની લાપરવાહીના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. સતત ચેતવણી આપવામાં આવી હોવા છતાં પણ એને અવગણીને સરકારે બાંધકામ પ્રવૃત્તિઓને થવા દીધી હતી.


જોશીમઠ બચાઓ સંઘર્ષ સમિતિ’ના નેતા અતુલ સતિએ કહ્યું હતું કે ‘અમે છેલ્લા ૧૪ મ​હિનાથી વહીવટી તંત્રનું ધ્યાન દોરી રહ્યા છીએ. જોકે અમારી વાત સાંભળવામાં આવી નથી, જ્યારે સ્થિતિ કાબૂ બહાર જતી રહી ત્યારે તેઓ સ્થિતિની સમીક્ષા કરવા માટે એક્સપર્ટ કમિટીને મોકલી રહ્યા છે. જો સમયસર અમારી વાત પર ધ્યાન આપવામાં આવ્યું હોત તો જોશીમઠમાં આટલી ભયજનક સ્થિતિ સર્જાઈ ન હોત.’



જોશીમઠ કે જ્યોતિર્મથ એ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત મંદિર નગરી છે. ભારતના ચાર ખૂણામાં આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપવામાં આવેલા ચાર મઠમાં જોશીમઠનો સમાવેશ થાય છે. ચીનની સરહદની ખૂબ નજીક આવેલાં કન્ટોનમેન્ટ્સમાં જોશીમઠસ્થિત કન્ટોનમેન્ટનો સમાવેશ થાય છે એટલે આ ટાઉનનું ધાર્મિક સિવાય વ્યૂહાત્મક રીતે પણ ખૂબ મહત્ત્વ છે.


સમયસર ચેતવણી મળી હતી, પણ એને અવગણવામાં આવી

ચમોલીથી જોશીમઠ સુધીના સમગ્ર વિસ્તારમાં છેલ્લા કેટલાક દસકમાં અનેક હોનારત આવી છે. ફેબ્રુઆરી ૨૦૨૧માં ચમોલીમાં ગ્લૅસિયર તૂટતાં ઋષિગંગા અને ધૌલગંગા નદીમાં ઓચિંતું પૂર આવ્યું હતું. આ બન્ને નદીઓ ગંગાની ઉપનદીઓ છે. એ હોનારતમાં ધૌલગંગા નદી પર તપોવન વિષ્ણુગઢ હાઇડ્રોપાવર પ્લાન્ટની ટનલમાં ફસાયેલા વર્કર્સ સહિત ૨૦૦ લોકોનાં મૃત્યુ થયાં હતાં. એ પછી જુલાઈ ૨૦૨૧માં ભારે વરસાદ વચ્ચે જોશીમઠ પાસે ધાંધરિયામાં પર્વતનો એક ભાગ જમીનમાં ધસી ગયો હતો.


ઉત્તરાખંડ સ્ટેટ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટીના અધિકારી સુશીલ ખંડુરીએ એક રિસર્ચ આર્ટિકલમાં ઉત્તરાખંડમાં ૨૦૨૧માં જ ૨૩ હોનારતની વિગતો જણાવી છે. આ રિસર્ચ આર્ટિકલમાં રાજ્યના અનેક વિસ્તારમાં ભારે વરસાદ, વાદળ ફાટવા, ભેખડ ધસી પડવી, કાટમાળ પડવો, ગ્લૅસિયર તૂટવા, પૂર અને ઓચિંતા પૂરની ઘટનાઓ વિશે જણાવવામાં આવ્યું છે. આ હોનારતોમાં ૩૦૮ લોકોનાં મૃત્યુ થયા છે, જ્યારે ૬૧ લોકો મિસિંગ હતા અને ૧૦૫ જણને ઈજા થઈ હતી. આ રિસર્ચ આર્ટિકલમાં સમજાવવામાં આવ્યું હતું કે કેવી રીતે હવામાનમાં પરિવર્તન, અસામાન્ય વરસાદ તેમ જ અત્યંત જોખમી વિસ્તારોમાં હાનિકારક અસરોનો સહેજ પણ વિચાર કર્યા વિના કરવામાં આવેલા બાંધકામ અને વિનાશ કામગીરીના કારણે આ હોનારતો આવી છે.

શા માટે જોશીમઠ ધસી રહ્યો છે એનાં કારણો જાણવા માટે ૧૯૬૪માં સરકારે ગઢવાલના એ સમયના કલેક્ટર એમસી મિશ્રાની નિમણૂક કરી હતી. તેમની ૧૮ સભ્યોની કમિટીના રિપોર્ટમાં સમજાવવામાં આવ્યું હતું કે જોશીમઠ ભૂસ્ખલનના કાટમાળ પર વિકસિત કરવામાં આવ્યું છે અને જો ત્યાં નિરંકુશ બાંધકામ અને વિકાસ કામગીરી થતી રહેશે તો એ ધસી શકે છે. આ કમિટીએ જોશીમઠની આસપાસના વિસ્તારોમાં નોંધપાત્ર બાંધકામ પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી હતી.

વિષ્ણુગઢ હાઇડેલ પ્રોજેક્ટ

આ પ્રદેશમાં ભૌગોલિક અને પર્યાવરણ જેવાં પરિબળોના કારણે ગંભીર ખતરો હોવા છતાં પણ જોશીમઠ અને તપોવન જેવા વિસ્તારોમાં વિષ્ણુગઢ હાઇડેલ પ્રોજેક્ટ સહિત અનેક હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી. ખૂબ જ મોટા પાયે વિનાશનો ખતરો હોવા છતાં આવા અત્યંત જોખમી પર્વતીય વિસ્તારમાં રોડ અને ટનલ બનાવવાની કામગીરી થતી રહી, જેના લીધે જોશીમઠમાં અત્યારની કટોકટી સર્જાઈ છે. આ વિસ્તારના લોકો અને ઍક્ટિવિસ્ટ્સ સતત સવાલ કરી રહ્યા છે કે કેવી રીતે વિષ્ણુગઢ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી.

છેક હવે બાંધકામ અટકાવી દેવામાં આવ્યું

૧. કેન્દ્ર સરકારે આ જમીન ધસી રહી છે એની ‘ઝડપથી સ્ટડી’ કરવા માટે એક એક્સપર્ટ કમિટીની રચના કરી છે. આ કમિટી જમીન ધસી રહી છે એની ઘરો, બિલ્ડિંગ્સ, હાઇવે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નદીઓ પરની અસરોનો અભ્યાસ કરશે. 
૨. જોશીમઠમાં ડિઝૅસ્ટર કન્ટ્રોલ રૂમ સ્થાપવામાં આવશે. સ્ટેટ અને નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સિસને પૂરતી સંખ્યામાં તહેનાત કરવામાં આવશે. 
૩. ઔલી રોપવેની નીચે એક મોટી ક્રૅક જોવા મળી હોવાથી આ રોપવેને બંધ કરી દેવામાં આવ્યો છે. નોંધપાત્ર છે કે મોટી સંખ્યામાં ટૂરિસ્ટ્સ ઔલીમાં ઍડ્વેન્ચર ઍક્ટિવિટીઝ માટે આવતા હોય છે. 
૪. ચારધામ ઑલ વેધર રોડ (હેલંગ-મારવાડી બાયપાસ) જેવા મેગા પ્રોજેક્ટ્સને સંબંધિત તમામ બાંધકામ ઍક્ટિવિટીઝ તેમ જ એનટીપીસીના હાઇડેલ પ્રોજેક્ટને અટકાવવામાં આવ્યો છે. 
૫. જે લોકોનાં ઘરોને અસર થઈ છે અને જેમને સ્થળાંતર કરવાની ફરજ પડી છે તેમને આગામી છ મહિના સુધી મુખ્ય પ્રધાન રાહત ભંડોળમાંથી દર મહિને રેન્ટ માટે ૪૦૦૦ રૂપિયા આપવામાં આવશે.

આ રહ્યાં ત્રણ મુખ્ય કારણ

વાડિયા ​ઇન્સ્ટિટ્યૂટ ઑફ હિમાલયન જિયોલૉજીના ડિરેક્ટર કલાચંદ સેને જોશીમઠની અત્યારની સ્થિતિ માટે ત્રણ કારણ જણાવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે ‘પહેલું કારણ તો એ છે કે જોશીમઠ એક સદી કરતાં પણ પહેલાં આવેલા ભૂકંપથી થયેલા ભૂસ્ખલનના કાટમાળ પર વિકસિત કરવામાં આવ્યો હતો. બીજું, જોશીમઠ ભૂકંપના અત્યંત જોખમવાળા ‘ઝોન-પાંચ’માં આવે છે અને ત્રીજું કારણ એ છે કે ત્યાં સતત પાણી વહેતું રહેતું હોવાના કારણે ભેખડો નબળી પડે છે. જોશીમઠ એ બદરીનાથ, હેમકુંડ સાહિબ અને ઔલીનું પ્રવેશદ્વાર છે, જેને કારણે અહીં ઘણા સમયથી કન્સ્ટ્રક્શન ઍક્ટિવિટીઝ ચાલી રહી છે. એ દરમ્યાન ધ્યાન નહોતું રાખવામાં આવ્યું કે આ શહેર એ પ્રેશરને સહન કરવા માટે સક્ષમ છે કે નહીં. જોશીમઠમાં દરેક જગ્યાએ હોટેલ અને રેસ્ટોરાં બનાવવામાં આવી છે.’

Whatsapp-channel Whatsapp-channel

08 January, 2023 08:04 AM IST | Joshimath | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK