હીરાબાને સમર્પિત માઇક્રોસાઇટ ‘મા’ માતૃત્વની અતૂટ ભાવનાની ઉજવણી કરે છે તથા તેમને સ્મરણાંજલિ અર્પિત કરે છે,
માઇક્રોસાઇટમાં હીરાબાનું સાદગીભર્યું જીવન રજૂ કરાયું
નવી દિલ્હી (પી.ટી.આઇ.) : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સત્તાવાર વેબસાઇટ પર તેમનાં માતાની સ્મૃતિને શ્રદ્ધાંજલિ આપતી અને માતૃત્વની અતૂટ ભાવનાની ઉજવણી કરતી માઇક્રોસાઇટ ‘મા’ લૉન્ચ કરાઈ છે. વડા પ્રધાન મોદીનાં માતા હીરાબા મોદીનું ગયા વર્ષની ૩૦ ડિસેમ્બરે નિધન થયું હતું. તેમના નિધન પર વિશ્વભરમાંથી દિલસોજી અને હૃદયપૂર્વકની સહાનુભૂતિના સંદેશાઓ મળ્યા હતા. આ માઇક્રોસાઇટમાં હીરાબાનું સાદગીભર્યું જીવન રજૂ કરાયું છે.
હીરાબાને સમર્પિત માઇક્રોસાઇટ ‘મા’ માતૃત્વની અતૂટ ભાવનાની ઉજવણી કરે છે તથા તેમને સ્મરણાંજલિ અર્પિત કરે છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. વિશ્વમાં આઠમી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિન મનાવવામાં આવ્યો હતો એ દિવસે વડા પ્રધાનનાં માતાની યાદમાં તેમને શ્રદ્ધાંજલિરૂપે આ માઇક્રોસાઇટ લૉન્ચ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
આ સાઇટ પર માતા અને પુત્ર વચ્ચેનો પ્રેમ અને તેમની વચ્ચેના અતૂટ બંધનને પ્રદર્શિત કરે છે. આ ઉપરાંત આ સાઇટ પર હીરાબાનો વિડિયો તેમ જ તેમના કેટલાક ક્વોટ્સ છે જે તેમણે પોતાનાં બાળકોને ઉપદેશરૂપે આપેલા સંસ્કારો દર્શાવે છે. આ માઇક્રોસાઇટ પર વડા પ્રધાન મોદીના સ્પેશ્યલ બ્લૉગ પણ છે, જે તેમણે હીરાબા ૧૦૦મા વર્ષ તરફ આગળ વધી રહ્યાં હતાં એ વખતે લખ્યો હતો. આ ઉપરાંત હિન્દીમાં વર્ણવેલું બ્લૉગનું ઑડિયો વર્ઝન પણ છે.
વેબસાઇટ પર હીરાબાનું જીવન અને તેમની જીવનયાત્રા, જાહેર ક્ષેત્રમાં જીવન, રાષ્ટ્ર યાદ કરે છે, વિશ્વ શોક મનાવે છે અને માતૃત્વની ભાવનાની ઉજવણી એમ કેટલાક હિસ્સામાં વિભાજિત કરાઈ છે. આ તમામ સેક્શનમાં હીરાબાના જીવનનાં વિવિધ પાસાંઓ તથા તેમની અંગત અને જાહેર જીવનશૈલી પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
આ માઇક્રોસાઇટ વડા પ્રધાન મોદીની સત્તાવાર વેબસાઇટ https://www.narendramodi.in/ પર તેમ જ તેમની અંગત ઍપ ‘ધ નરેન્દ્ર મોદી ઍપ’ પર જોવા મળી શકશે.