રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને શપથગ્રહણ સમારોહમાં શક્તિપ્રદર્શન થશે
નવી દિલ્હીમાં ગઈ કાલે કૉન્ગ્રેસનાં નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે કર્ણાટકના સીએમપદે આજે શપથ ગ્રહણ કરનારા સિદ્ધારમૈયા તેમ જ ડેપ્યુટી સીએમપદે શપથ ગ્રહણ કરનારા ડી. કે. શિવકુમાર (તસવીર : પી.ટી.આઇ.)
કૉન્ગ્રેસ માટે આજનો દિવસ ખાસ છે. આજે કર્ણાટકમાં નવી સરકારનો શપથગ્રહણ સમારોહ છે. કૉન્ગ્રેસના દિગ્ગજ નેતા સિદ્ધારમૈયાના હાથમાં રાજ્યનું સુકાન સોંપવામાં આવ્યું છે. ડીકે શિવકુમાર ડેપ્યુટી ચીફ મિનિસ્ટરના પદ પર શપથગ્રહણ કરશે.
કૉન્ગ્રેસે શપથગ્રહણ સમારોહને શક્તિપ્રદર્શન તરીકે રજૂ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. વિપક્ષોના અનેક નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. કેટલાક મોટા ચહેરાઓ પણ છે કે જેમને આમંત્રણ આપવામાં આવ્યું નથી. એની પાછળ કૉન્ગ્રેસનાં રાજકીય સમીકરણો જવાબદાર છે.
ADVERTISEMENT
પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી, તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટૅલિન, બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર, ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેન, એનસીપીના વડા શરદ પવાર, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, બિહારના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને આરજેડીના નેતા તેજસ્વી યાદવ અને શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને આમંત્રણ આપવામાં આવ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર કૉન્ગ્રેસે સિદ્ધારમૈયાના શપથગ્રહણ સમારોહમાં બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતી, કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન, દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ અને આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન જગનમોહન રેડ્ડીને આમંત્રણ આપવામાં આવ્યું નથી.