કેસની જડ સુધી પહોંચવા માટે અયોધ્યા પોલીસ ભ્રૂણની ડીઑક્સિરિબૉ ન્યુક્લેઇક ઍસિડ (DNA) ટેસ્ટ કરાવવાનું વિચારી રહી છે.
પ્રતીકાત્મક તસવીર
અયોધ્યામાં સામૂહિક બળાત્કારને કારણે સગર્ભા બનેલી ૧૨ વર્ષની કિશોરીનો પરિવાર ગર્ભપાત કરાવવા તૈયાર થયો છે. જોકે લખનઉમાં તેની સારવાર કરી રહેલા ડૉક્ટરોના મતે પીડિતાનો મેડિકલ રિપોર્ટ જોયા પછી જ ગર્ભપાતનો નિર્ણય લેવામાં આવશે. બીજી તરફ કેસની જડ સુધી પહોંચવા માટે અયોધ્યા પોલીસ ભ્રૂણની ડીઑક્સિરિબૉ ન્યુક્લેઇક ઍસિડ (DNA) ટેસ્ટ કરાવવાનું વિચારી રહી છે.
અયોધ્યાની આ ઘટના વિશે ખાસ્સો રાજકીય વિવાદ ચાલી રહ્યો છે. અયોધ્યામાં સમાજવાદી પાર્ટીના સ્થાનિક નેતા મોઇદ ખાનની બેકરી છે ત્યાં પીડિત કિશોરી કામ કરતી હતી. મોઇદ ખાન અને તેના કર્મચારીએ બળાત્કાર કરતાં કિશોરી સગર્ભા થઈ હતી. આ ઘટનાનો વિડિયો પણ બનાવવામાં આવ્યો હતો. ૨૯ જુલાઈએ ફરિયાદ નોંધાતાં પોલીસે ૩૦મીએ બળાત્કારીઓની ધરપકડ કરી હતી. અયોધ્યાના મુખ્ય આરોગ્ય અધિકારીએ કહ્યું કે ‘કિશોરીના પરિવારે ગર્ભપાત માટે મંજૂરી આપી દીધી છે અને હવે તેની સારવાર કરી રહેલા તબીબો ગર્ભપાત માટેનાં આગામી પગલાં લેશે.’