ગૃહપ્રધાને ૧૫૦ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટને ધમકાવ્યા હતા એવો આક્ષેપ કર્યો હતો કૉન્ગ્રેસી નેતાએ
જયરામ રમેશ
મતગણતરી પહેલાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ૧૫૦ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટને ધમકી આપી હોવાનો આરોપ મૂકનારા કૉન્ગ્રેસના નેતા જયરામ રમેશ સામે ચૂંટણીપંચે ગંભીર પગલાં લેવાની શરૂઆત કરી છે. ચૂંટણીપંચે જયરામ રમેશને સોમવારની સાંજે ૭ વાગ્યા સુધીમાં જ સ્પષ્ટતા કરવા અને પુરાવા રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. જયરામ રમેશે પોતાનો જવાબ આપવા માટે એક અઠવાડિયાનો સમય માગ્યો હતો, પણ ચૂંટણીપંચે તેમને આટલી મુદત આપવાનો ઇનકાર કરી દીધો હતો.
જયરામ રમેશને લખેલા પત્રમાં ચૂંટણીપંચે કહ્યું હતું કે ‘ચૂંટણીપંચ તમને એક અઠવાડિયાનો સમય આપવાની માગણી ઠુકરાવે છે. તમે ત્રીજી જૂનની સાંજે ૭ વાગ્યા સુધીમાં જ જવાબ મોકલાવી આપો. જો આવું કરવામાં તમે નિષ્ફળ રહેશો તો એવું માનવામાં આવશે કે તમારી પાસે આ મુદ્દે કહેવા માટે કંઈ જ નથી. ચૂંટણીપંચ તમારી સામે યોગ્ય કાર્યવાહી કરવા આગળ વધશે. તમારા આવા આરોપથી મંગળવારે થનારી મતગણતરીની શુચિતા પર સીધી અસર પડે છે.
ADVERTISEMENT
જયરામ રમેશે પહેલી જૂને સોશ્યલ મીડિયામાં લખ્યું હતું કે ‘ગૃહપ્રધાન અમિત શાહ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ અથવા તો કલેક્ટરોને ફોન કરી રહ્યા છે અને તેમને ખુલ્લેઆમ ડરાવી-ધમકાવી રહ્યા છે. અમિત શાહ પહેલાં જ ૧૫૦ કલેક્ટરો સાથે વાતચીત કરી ચૂક્યા છે. આ સ્પષ્ટ અને બેશરમીથી ડરાવવા-ધમકાવવાની કોશિશ છે, જે દર્શાવે છે કે BJP કેટલી હતાશ છે.’