સુપ્રીમ કોર્ટે સજાતીય લગ્નો માટે કાયદાકીય માન્યતા માટે માગણી કરતી અરજીઓ પરની સુનાવણી દરમ્યાન આમ જણાવ્યું
નવી દિલ્હીમાં ગઈ કાલે સજાતીય લગ્ન માટે કાયદાકીય માન્યતાની માગણી કરતી અરજીઓની સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટ ખાતે મીડિયાના કર્મચારીઓ. તસવીર પી.ટી.આઇ.
સુપ્રીમ કોર્ટે ગઈ કાલે સ્પષ્ટ કર્યું હતું કે સજાતીય લગ્નો માટે કાયદાકીય માન્યતા માટે માગણી કરતી અરજીઓ પર નિર્ણય કરતી વખતે લગ્નોને સંબંધિત મામલાને નિયમન કરતા પર્સનલ લૉઝને એ ધ્યાનમાં લેશે નહીં. તેમણે વકીલોને સ્પેશ્યલ મૅરેજ ઍક્ટ પર દલીલો રજૂ કરવા જણાવ્યું હતું. ચીફ જસ્ટિસ ડી. વાય. ચન્દ્રચૂડની વડપણ હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે આ મુદ્દાને ‘જટિલ’ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે સ્પેશ્યલ મૅરેજ ઍક્ટમાં એક પુરુષ અને એક મહિલાની વ્યાખ્યા સંપૂર્ણપણે જનનાંગ કે તેમના પ્રાઇવેટ પાર્ટ્સ પર આધારિત નથી.
જસ્ટિસ એસ. કે. કૌલ, એસ. આર. ભટ, હિમા કોહલી અને પી. એસ. નરસિંહાને સમાવતી બેન્ચે જણાવ્યું હતું કે ‘અહીં એ સવાલ નથી કે તમારાં જનનાંગ કયાં છે. એ એનાથી ઘણું વધારે જટિલ છે. જ્યારે સ્પેશ્યલ મૅરેજ ઍક્ટમાં સ્ત્રી અને પુરુષની વાત આવે છે ત્યારે એમાં સ્ત્રી અને પુરુષનો ખ્યાલ સંપૂર્ણપણે જનનાંગ પર આધારિત નથી.’
ADVERTISEMENT
આ પણ વાંચો : `સમલૈંગિક વિવાહ Elite Concept, સાથે લોકાચારને કોઈ લેવડ-દેવડ નથી` SCમાં કેન્દ્ર
જો સુપ્રીમ કોર્ટ સજાતીય લગ્નોને કાયદેસર ગણાવે તો એવી સ્થિતિમાં હિન્દુ મૅરેજ ઍક્ટ અને જુદા-જુદા ધર્મોના પર્સનલ લૉઝના અમલમાં અસર અને મુશ્કેલીઓ તરફ ધ્યાન દોરવામાં આવ્યું તો બેન્ચે જણાવ્યું હતું કે ‘તો પછી અમે પર્સનલ લૉઝને આ મામલામાંથી બહાર રાખી શકીએ છીએ અને તમે તમામ વકીલો સ્પેશ્યલ મૅરેજ ઍક્ટ (એક ધર્મ નિરપેક્ષ મૅરેજ ઍક્ટ)ને લઈને અમારી સમક્ષ રજૂઆત કરી શકો છો.’
સ્પેશ્યલ મૅરેજ ઍક્ટ, ૧૯૫૪ એક એવો કાયદો છે કે જે જુદા-જુદા ધર્મો કે જાતિઓના લોકોનાં વિવાહ માટે એક કાયદાકીય માળખું પૂરું પાડે છે. એ એક નાગરિક વિવાહનું નિયમન કરે છે.
કેન્દ્ર સરકાર તરફથી હાજર સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ ટ્રાન્સજેન્ડર્સ પરના કાયદાઓનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે ‘અનેક અધિકારો છે; જેમ કે જીવનસાથી પસંદ કરવાનો અધિકાર, પ્રાઇવસીનો અધિકાર, સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન પસંદ કરવાનો અધિકાર છે તેમ જ કોઈ પણ પ્રકારનો ભેદભાવ થાય તો અપરાધિક કાર્યવાહી થઈ શકે છે.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘હિન્દુઓ, મુસ્લિમો તેમ જ અન્ય સમુદાયોને એની અસર થશે. એટલા માટે જ રાજ્યોની વાત પણ સાંભળવી જોઈએ.’