વક્ફ ઍક્ટમાં ૪૦ જેટલા સુધારાને કૅબિનેટે શુક્રવારે મંજૂરી આપી, આ અઠવાડિયે સંસદમાં બિલ રજૂ થાય એવી ધારણા
પ્રતીકાત્મક તસવીર
કેન્દ્ર સરકાર વક્ફ ઍક્ટમાં આશરે ૪૦ જેટલા સુધારા કરવાનો પ્રસ્તાવ ધરાવતું બિલ ટૂંક સમયમાં સંસદમાં રજૂ કરે એવી શક્યતા છે. આ સુધારા દ્વારા કેન્દ્ર સરકાર વક્ફ બોર્ડની અમર્યાદિત સત્તા પર કાપ મૂકવા માગે છે અને એમાં મહિલાઓના પ્રતિનિધિત્વને વધારવા માગે છે. હાલમાં કોઈ પણ સંપત્તિને વક્ફ બોર્ડ પોતાની હોવાનું જાહેર કરી શકે છે. આવી સત્તા પર લગામ લગાવવામાં આવે એવી શક્યતા છે. આ સંદર્ભમાં સૂત્રોએ જણાવ્યું હતું કે શુક્રવારે કેન્દ્રીય કૅબિનેટમાં આ બિલને મંજૂરી આપવામાં આવી હતી. એમાં વક્ફ ઍક્ટમાં ૪૦ સુધારા સૂચવાયા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં વક્ફ બોર્ડ પાસે જે મનસ્વી સત્તા છે એના પર કાપ મૂકવા માટે વક્ફ ઍક્ટની કેટલીક કલમોને રદ કરવાનો પ્રસ્તાવ છે. વક્ફ બોર્ડ દ્વારા કરવામાં આવેલા દાવા ઘણી વાર વિવાદ ભણી દોરી જાય છે. ઉદાહરણ તરીકે ૨૦૨૨ના સપ્ટેમ્બરમાં તામિલનાડુ વક્ફ બોર્ડે આખા થિરુચેન્દુરાઈ ગામ પર પોતાનો દાવો ઠોકી દીધો હતો. આ ગામમાં સદીઓથી હિન્દુ લોકો મોટી સંખ્યામાં રહે છે. ૧૯૯૫માં ઘડવામાં આવેલા વક્ફ ઍક્ટને કૉન્ગ્રેસ પ્રણીત યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ-ટૂ (UPA)ની કેન્દ્ર સરકારે વધારાની સત્તા આપી હતી જેના કારણે વક્ફ બોર્ડના પંજામાંથી જમીન પાછી મેળવવી લગભગ અશક્ય બની ગઈ હતી. આ સુધારાના મુદ્દે ત્યારથી જ વિવાદ ચાલી રહ્યો છે.
ADVERTISEMENT
વક્ફ ઍક્ટમાં કોઈ પણ સુધારો મુસ્લિમો ક્યારેય નહીં સ્વીકારે: ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ
કેન્દ્ર સરકાર વક્ફ બોર્ડ ઍક્ટમાં સુધારો કરવા માગે છે એવા અહેવાલોના પગલે ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્નસલ લૉ બોર્ડ (AIMPLB)એ ગઈ કાલે જણાવ્યું હતું કે અમે વક્ફ બોર્ડની સત્તામાં કોઈ પણ પ્રકારનો ઘટાડો કે સત્તામાં પ્રતિબંધ સહન નહીં કરીએ. આ મુદ્દે એક નિવેદનમાં AIMPLBએ ગઈ કાલે જાહેર કર્યું હતું કે વક્ફ ઍક્ટ, ૨૦૧૩માં કોઈ પણ ફેરફાર જે વક્ફ મિલકતોના સ્વરૂપમાં ફેરફાર કરે છે અથવા સરકાર કે કોઈ પણ વ્યક્તિ માટે એને આસાનીથી હડપ કરવાનું સરળ બનાવે છે એને કદી સ્વીકારવામાં નહીં આવે.
AIMPLBએ કહ્યું હતું કે ‘વક્ફ પ્રૉપર્ટી મુસ્લિમ સખાવતીઓ દ્વારા ધાર્મિક અને સખાવતી હેતુઓ માટે દાનમાં આપવામાં આવે છે અને સરકારે વક્ફ ઍક્ટ એનું નિયમન કરવા માટે બનાવ્યો છે. વક્ફ ઍક્ટ અને વક્ફ પ્રૉપર્ટીઝ બંધારણ અને શરિયત ઍપ્લિકેશન ઍક્ટ, ૧૯૩૭ દ્વારા સુરક્ષિત છે અને સરકાર એમાં એવો કોઈ સુધારો કરી શકતી નથી જે આ પ્રૉપર્ટીનું સ્વરૂપ અને સ્થિતિમાં ફેરફાર કરી શકે. વક્ફ પ્રૉપર્ટીના સ્વરૂપમાં ફેરફાર કરતો વક્ફ ઍક્ટમાંનો કોઈ પણ સુધારો મુસ્લિમો ક્યારેય સ્વીકારશે નહીં. આ સિવાય વક્ફ બોર્ડની કાનૂની અને જુડિશ્યલ સ્થિતિ અને સત્તામાં કોઈ પણ જાતની દખલગીરીને સહન કરવામાં નહીં આવે.’
વક્ફ બોર્ડ પાસે કેટલી સંપત્તિ?
દેશમાં વક્ફ બોર્ડ હેઠળ આશરે ૮.૭ લાખ મિલકતો છે. આ મિલકતો હેઠળ કુલ જમીન લગભગ ૯.૪ લાખ એકર છે.