કવિ કુમાર વિશ્વાસનું નામ અત્યારે પંજાબના રાજકારણમાં ખૂબ ચર્ચાઈ રહ્યું છે.
કેજરીવાલની ટીકા કરતા કુમારના વિડિયો પરના બૅનને થોડા જ કલાકમાં હટાવાયો
નવી દિલ્હી ઃ કવિ કુમાર વિશ્વાસનું નામ અત્યારે પંજાબના રાજકારણમાં ખૂબ ચર્ચાઈ રહ્યું છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં તેમણે તાજેતરમાં જ દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટી (આપ)ના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ ખાલિસ્તાન સમર્થક હોવાનો ગંભીર આક્ષેપ મૂક્યો હતો. આ રાજકીય વિવાદમાં પંજાબના અધિક મુખ્ય ચૂંટણી અધિકારી ડીપીએસ ખરબંદા પણ અટવાયા છે. આ અધિકારીએ પૉલિટિકલ પાર્ટીઓ અને મીડિયા ગ્રુપ્સને કેજરીવાલની ટીકા કરતી કુમાર વિશ્વાસની વિડિયો ક્લિપ્સને સર્ક્યુલેટ કે મીડિયામાં રજૂ ન કરવાનો આદેશ આપ્યો હતો. જોકે પંજાબના મુખ્ય ચૂંટણી અધિકારીની ઑફિસમાંથી થોડાક કલાકમાં જ આ આદેશને પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.
એક રિપોર્ટ અનુસાર ચૂંટણી પંચની જાણકારી વિના જ અધિક મુખ્ય ચૂંટણી અધિકારીએ આ આદેશ જારી કર્યો હતો. હવે આ આદેશ આપનારા આ અધિકારીની વિરુદ્ધ ઍક્શન લેવામાં આવી શકે છે. ખરબંદાએ આમ આદમી પાર્ટી તરફથી ફરિયાદ મળ્યા બાદ આ આદેશ આપ્યો હતો.
કુમારે શું કહ્યું હતું?
કુમાર વિશ્વાસે કહ્યું હતું કે ‘કેજરીવાલે મને એક દિવસ કહ્યું હતું કે તેઓ પંજાબના મુખ્ય પ્રધાન બનશે અથવા તો એક સ્વતંત્ર દેશ (ખાલિસ્તાન)ના વડા પ્રધાન બનશે.’ કુમાર વિશ્વાસના આ દાવાને સ્વાભાવિક રીતે આમ આદમી પાર્ટીએ ફગાવી દીધો હતો. જોકે કુમારના આ દાવાને લઈને નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ કેજરીવાલની ટીકા કરી હતી.

