દિલ્હીની જામા મસ્જિદના સંચાલકોએ ત્યાં યુવતીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો હતો.
ફાઈલ ફોટો
નવી દિલ્હી : દિલ્હીની જામા મસ્જિદના સંચાલકોએ ત્યાં યુવતીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો હતો. વિવાદ વધતાં ઇમામે કહ્યું હતું કે નમાજ પઢવા આવતા લોકોને આ આદેશ લાગુ પડતો નથી. મહિલા સંગઠનોએ મસ્જિદના આ નિર્ણયને અયોગ્ય ગણાવ્યો હતો. મસ્જિદનાં ત્રણ પ્રવેશદ્વાર પર લગાવવામાં આવેલી નોટિસમાં લખ્યું હતું કે ‘જામા મસ્જિદમાં લડકી યા લડકિયોં કા અકેલે દાખલા મના હૈ.’ જામા મસ્જિદના શાહી ઇમામે આખરે મસ્જિદમાં મહિલાઓની એન્ટ્રીને મર્યાદિત કરતા આ આદેશને પાછો ખેંચી લીધો છે. દિલ્હીના ઉપરાજ્યપાલ વી. કે. સક્સેના સાથેની વાતચીત બાદ આ પરિવર્તન આવ્યું છે. ૧૭મી સદીના મુગલયુગના સ્મારકમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તથા પ્રવાસીઓ પણ આવતા હોય છે. મસ્જિદના શાહી ઇમામ સઈદ અહમદ બુખારીએ આ પહેલાં કહ્યું હતું કે ‘જામા મસ્જિદ એક પ્રાર્થનાસ્થળ છે લોકો અહીં પ્રાર્થના માટે આવી શકે છે, પરંતુ યુવતીઓ એકલી આવે છે તેમ જ યુવકોને મળવા માટે બોલાવે છે. આ બધી પ્રવૃત્તિઓ અહીં ચલાવી ન લેવાય.’