આરોપીની ફરી ધરપકડ કરવામાં આવી હતી
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના ભદોહીમાં અપહરણના કેસમાં જેલમાંથી જામીન પર છૂટેલા વીર નાથ પાંડે નામના આરોપીએ ફરી તે જ ૧૭ વર્ષની છોકરીનું અપહરણ કર્યું હતું જેને કારણે તેને જેલમાં મોકલવામાં આવ્યો હતો. આ આરોપીએ તેને એક મહિના સુધી ગોંધી રાખી હતી અને તેના પર વારંવાર બળાત્કાર કર્યા બાદ બીજી સપ્ટેમ્બરે છોડી મૂકી હતી. આ છોકરીએ પોલીસ-ફરિયાદ કરતાં પોલીસે આરોપીની સોમવારે ધરપકડ કરી હતી. આરોપી વીર નાથ પાંડે મૂળ બિહારના ભોજપુર જિલ્લાનો વતની છે.
આ કેસની જાણકારી આપતાં પોલીસે કહ્યું હતું કે ‘આ વર્ષે મે મહિનામાં છોકરીના પિતાએ પોલીસ-સ્ટેશનમાં તેની ૧૭ વર્ષની દીકરી ગુમ થયાની ફરિયાદ કરી હતી. પોલીસે આ કેસમાં પાંડેની ધરપકડ કરી હતી અને તેને જેલમાં પૂરી દીધો હતો. પાંચ ઑગસ્ટે તે જેલમાંથી જામીન પર છૂટ્યો હતો અને ફરી તેણે આ છોકરીનું અપહરણ કર્યું હતું અને એક મહિના સુધી તેના પર જાતીય અત્યાચાર કર્યો હતો અને બીજી સપ્ટેમ્બરે તેને રેલવે-સ્ટેશન પર છોડીને નાસી છૂટ્યો હતો. જોકે આરોપીની ફરી ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે ભારતીય ન્યાય સંહિતા અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (પૉક્સો) કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.’