કોઇમ્બતુર અને મૅન્ગલોરમાં થયેલા બ્લાસ્ટ્સની જવાબદારી સ્વીકારી, ગુજરાત અને બાબરી મસ્જિદનો બદલો લેવા માટે ‘મુજાહિદ્દીનો’ને ઉશ્કેર્યા
પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર
નવી દિલ્હીઃ કોઇમ્બતુર બ્લાસ્ટના ચાર મહિના અને મૅન્ગલોર બ્લાસ્ટના ત્રણ મહિના બાદ ઇસ્લામિક સ્ટેટ ઇન ખુરાસાન પ્રોવિન્સ (આઇએસકેપી)એ એના મુખપત્ર ‘વૉઇસ ઑફ ખુરાસાન’માં સ્વીકાર્યું છે કે એના આતંકવાદીઓ સાઉથ ઇન્ડિયામાં ઍક્ટિવ છે. એટલું જ નહીં, ગયા વર્ષે થયેલા આ બે બ્લાસ્ટ્સમાં સંડોવાયેલા હતા.
‘વૉઇસ ઑફ ખુરાસાન’ એ મધ્ય અને સાઉથ એશિયામાં આઇએસઆઇએસ ઍક્ટિવિટીને પ્રમોટ કરે છે.
ADVERTISEMENT
આ મૅગેઝિનના આર્ટિકલમાં જણાવવામાં આવ્યું નથી કે સાઉથ ઇન્ડિયાના કયા સ્ટેટમાં એના ‘મુજાહિદ્દીનો’ ઍક્ટિવ છે. જોકે એક્સપર્ટ્સ અનુસાર તેઓ મોટા ભાગે કેરાલામાં ઍક્ટિવ હોઈ શકે છે. જોકે સાથે જ તામિલનાડુ અને કર્ણાટકના કેટલાક ભાગમાં પણ આતંકવાદીઓ ફેલાયા હોઈ શકે છે.
આ આર્ટિકલમાં જણાવવામાં આવ્યું છે કે ગયા વર્ષે ૨૩મી ઑક્ટોબરે કોઇમ્બતુરમાં કાર-વિસ્ફોટ તેમ જ ૧૯મી નવેમ્બરે મૅન્ગલોરમાં ઑટોરિક્ષામાં થયેલા પ્રેશર કૂકર બ્લાસ્ટને આઇએસની સાથે જોડાયેલા આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યા હતા.
વધુ એક વખત ઇસ્લામિક સ્ટેટના મૅગેઝિનમાં હિન્દુઓ, બીજેપી અને ઇન્ડિયન આર્મી પ્રત્યે ઝેર ઓકવામાં આવ્યું છે અને સાઉથ ઇન્ડિયામાં રહેલા એના મુજાહિદ્દીનોને તેમની વિરુદ્ધ યુદ્ધ લડવા માટે ઉશ્કેર્યા હતા. આ આર્ટિકલમાં બાબરી મસ્જિદ અને ગુજરાતમાં થયેલાં કોમી રમખાણોનો બદલો લેવા ઉશ્કેરણી કરવામાં આવી હતી.