અલાહાબાદ હાઈ કોર્ટમાં મુસ્લિમ પક્ષને મળી પછડાટ
જ્ઞાનવાપી મસ્જિદ
પ્રયાગરાજ (પી.ટી.આઇ.) : અલાહાબાદ હાઈ કોર્ટે ગઈ કાલે વારાણસીની અદાલતમાં પેન્ડિંગ ૧૯૯૧ના સિવિલ દાવાની કાયદેસરતાને પડકારતી અરજીઓને ગઈ કાલે ફગાવી દીધી હતી. આ સિવિલ દાવામાં જ્ઞાનવાપી મસ્જિદના સ્થળે ફરીથી પહેલાંની જેમ એક મંદિરના નિર્માણ માટે માગણી કરવામાં આવી છે. હાઈ કોર્ટે સ્પષ્ટ જણાવ્યું હતું કે વિવાદિત સ્થળ કયા ધર્મનું છે એના વિશેનો નિર્ણય કોર્ટ દ્વારા જ લઈ શકાય છે. જસ્ટિસ રોહિત રંજન અગરવાલે ચુકાદો આપ્યો હતો કે ડિસ્ટ્રિક્ટ કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવેલો દાવો સુનાવણી યોગ્ય છે અને ઉપાસનાનાં સ્થળો કાયદો, ૧૯૯૧ આવો દાવો કરતાં કે એના પર સુનાવણી કરતાં ન અટકાવી શકે.
હાઈ કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે ‘જો કોઈ વચગાળાનો આદેશ હોય તો એને કૅન્સલ કરવામાં આવે છે. આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા એનો રિપોર્ટ નીચલી અદાલત સમક્ષ રજૂ કરે. જો જરૂર પડે તો નીચલી અદાલત વધુ સર્વે કરવા માટે આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાને આદેશ આપી શકે છે.’ હિન્દુ શ્રદ્ધાળુઓ દ્વારા વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદમાં પૂજા કરવાનો અધિકાર માગતો સિવિલ દાવો કરવામાં આવ્યો હતો. જ્ઞાનવાપી મસ્જિદનું મૅનેજમેન્ટ સંભાળી રહેલી અંજુમન ઇન્તેઝામિયા મસ્જિદ કમિટીએ આ દાવાની કાયદેસરતાને પડકારી હતી.
ADVERTISEMENT
નીચલી અદાલતને છ મહિનામાં આ દાવા વિશે નિર્ણય કરવા આદેશ
અદાલતે જણાવ્યું હતું કે આ દાવામાં જે વિવાદ ઉઠાવવામાં આવ્યો છે એ અત્યંત મહત્ત્વની રાષ્ટ્રીય બાબત છે, કેમ કે એ દેશની બે મુખ્ય કમ્યુનિટીઝને અસર કરે છે. હાઈ કોર્ટે નીચલી અદાલતને છ મહિનામાં આ દાવા વિશે નિર્ણય કરવા જણાવ્યું છે.