સદ્ગુરુ જગ્ગી વાસુદેવના વિરોધમાં તામિલનાડુ પોલીસની સુપ્રીમ કોર્ટમાં કાઉન્ટર-પિટિશન
સદ્ગુરુ જગ્ગી વાસુદેવ
ઈશા ફાઉન્ડેશનના સદ્ગુરુ જગ્ગી વાસુદેવના વિરોધમાં તામિલનાડુ પોલીસે કરેલી કાઉન્ટર-પિટિશનમાં આરોપ લગાવ્યો છે કે ફાઉન્ડેશનમાં ગયેલા છ લોકો ગુમ થયા છે અને તેમનો અતોપતો નથી, પણ એમાંના પાંચ લોકોના કેસ ક્લોઝ કરી દેવામાં આવ્યા છે; ફાઉન્ડેશનના કૅમ્પસમાં સ્મશાન છે અને એને હટાવવા માટે સ્થાનિક લોકોએ ફરિયાદ નોંધાવી છે; કૅમ્પસમાં આવેલી હૉસ્પિટલમાં એક્સપાયરી ડેટ વિતાવી ચૂકેલી દવાઓ આશ્રમમાં રહેતા લોકોને આપવામાં આવે છે.
કોઇમ્બતુર પોલીસના પોલીસ-સુપરિન્ટેન્ડેન્ટ કે. કાર્થિકેયને જગ્ગી વાસુદેવના વિરોધમાં નોંધાયેલી પિટિશનના સંદર્ભમાં ૨૩ પાનાંના રિપોર્ટમાં આ વિગતો જણાવતાં કહ્યું હતું કે ‘ગયાં પંદર વર્ષમાં અલન્દુરાઈ પોલીસ-સ્ટેશનમાં કુલ છ લોકો ગુમ થયાની ફરિયાદ નોંધાઈ છે. એમાંના પાંચ લોકો વિશેના કેસ ક્લોઝ કરી દેવાયા છે, પણ એક કેસમાં માણસ હજી મળી આવ્યો નથી. આપઘાતને લગતા સાત કેસ નોંધાયા છે, જેમાંથી બે કેસમાં તપાસ હાલ ચાલી રહી છે.’
ADVERTISEMENT
આશ્રમની અંદર બાંધવામાં આવેલા સ્મશાનને હટાવવા માટે સ્થાનિક રહેવાસીએ ફરિયાદ કરી હતી, પણ એ પેન્ડિંગ છે. જોકે હાલ આ સ્મશાનનો ઉપયોગ થતો નથી. ઈશા આઉટરીચ નામની સંસ્થાના પ્રોગ્રામ હેઠળ ચલાવવામાં આવતી એક સ્કૂલના પ્રિન્સિપાલે એક ડૉક્ટરના વિરોધમાં પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ ઍક્ટ (POCSO-પૉક્સો) કાયદા હેઠળ કેસ કર્યો છે. આ ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી છે અને જામીન પણ આપવામાં આવ્યા નથી.
દિલ્હીમાં જાતીય અત્યાચારનો કેસ
દિલ્હીના સાકેત પોલીસ-સ્ટેશનમાં પણ જાતીય અત્યાચારનો એક કેસ નોંધાયો છે. આ કેસ ઈશા યોગ સેન્ટરમાં ૨૦૨૧માં બન્યો હતો. ફરિયાદી મહિલા સહભાગી થવા એમાં ગઈ હતી. ઝીરો ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) કોઇમ્બતુર પોલીસ-સ્ટેશનમાં ટ્રાન્સફર કરાયો છે. ફરિયાદી મહિલાએ પછી તેની ફરિયાદ પાછી ખેંચી લીધી હતી. પોલીસને હવે આ કેસમાં તપાસ કરવી છે, કારણ કે ફરિયાદી કે આરોપીનું નિવેદન લેવામાં આવ્યું નથી.
મદ્રાસ હાઈ કોર્ટને સુપ્રીમ કોર્ટની ફટકાર - બે બહેનો તેમની મરજીથી આશ્રમમાં રહે છે
બે બહેનોને ઈશા ફાઉન્ડેશનના આશ્રમમાં ગોંધી રાખવામાં આવી છે એવા સંદર્ભનો કેસ સુપ્રીમ કોર્ટે બંધ કરી દીધો છે અને જણાવ્યું છે કે બન્ને મહિલાઓએ નિવેદન આપ્યું છે કે તેમને ગોંધી રાખવામાં નથી આવી અને તેઓ પોતાની મરજીથી આશ્રમમાં રહે છે. ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતામાં બનેલી બેન્ચે મદ્રાસ હાઈ કોર્ટને પણ ફટકાર લગાવી હતી જેણે આ મહિલાના પિતાએ કરેલી પિટિશનના સંદર્ભમાં આશ્રમમાં જઈને પોલીસ-તપાસનો આદેશ આપ્યો હતો. ચીફ જસ્ટિસે કહ્યું હતું કે ‘આવી કાર્યવાહી કોઈ સંસ્થા કે કોઈ વ્યક્તિને બદનામ કરવા માટે ન હોવી જોઈએ. બન્ને બહેનો તેમની મરજીથી આશ્રમમાં રહે છે અને પિતાના સંપર્કમાં પણ રહે છે, તેઓ પબ્લિક ફંક્શનમાં પણ ભાગ લે છે એટલે તેમને ગોંધી રાખવામાં આવી છે એમ કહી ન શકાય.’
ઈશા ફાઉન્ડેશન સામે આદિવાસીઓની જમીન પર અતિક્રમણનો કેસ પણ નોંધાયો છે જેની તપાસ ચાલુ છે.

