Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અભિષેક મનુ સિંઘવી માટે રાજ્યસભાની સીટ ખાલી કરવાના ઇનકારથી સ્વાતિ માલીવાલ પર હુમલો થયો?

અભિષેક મનુ સિંઘવી માટે રાજ્યસભાની સીટ ખાલી કરવાના ઇનકારથી સ્વાતિ માલીવાલ પર હુમલો થયો?

18 May, 2024 09:45 AM IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સંસદસભ્ય સ્વાતિ માલીવાલ પર હુમલાનું કારણ જાણવા માટે અનેક તર્કવિતર્ક લગાવવામાં આવી રહ્યા છે

સ્વાતિ માલીવાલ

સ્વાતિ માલીવાલ


દિલ્હીમાંથી AAPની ટિકિટ પરથી રાજ્યસભામાં ચૂંટાયેલાં સંસદસભ્ય સ્વાતિ માલીવાલ પર હુમલાનું કારણ જાણવા માટે અનેક તર્કવિતર્ક લગાવવામાં આવી રહ્યા છે. જોકે એવું જાણવા મળે છે કે સુપ્રીમ કોર્ટમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના કેસ લડતા જાણીતા લૉયર અભિષેક મનુ સિંઘવીને રાજ્યસભામાં મોકલવાની કેજરીવાલની કોશિશ હતી અને સ્વાતિ માલીવાલે સિંઘવી માટે પોતાની સીટ ખાલી નહીં કરવા જણાવતાં તેમના પર કેજરીવાલના પર્સનલ સેક્રેટરી બિભવ કુમારે હુમલો કર્યો હતો.


સ્વાતિ માલીવાલ AAPની સ્થાપનાથી જ કેજરીવાલની સાથે છે અને તેમને દિલ્હી કમિશન ફૉર વિમેનનાં પ્રમુખ બનાવવામાં આવ્યાં હતાં અને જ્યારે તેમને રાજ્યસભામાં મોકલવામાં આવ્યાં ત્યારે તેમણે એ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. કેજરીવાલે જ્યારે સામાજિક કાર્ય માટેની સંસ્થા સ્થાપી હતી ત્યારથી બિભવ કુમાર અને સ્વાતિ માલીવાલ કેજરીવાલ સાથે કામ કરે છે.
કૉન્ગ્રેસના નેતા સિંઘવી ફેબ્રુઆરીમાં હિમાચલ પ્રદેશમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં પરાજિત થયા હતા અને તેમને કોઈ પણ ભોગે રાજ્યસભાના મેમ્બર બનવું છે. જાન્યુઆરીમાં જ દિલ્હીથી રાજ્યસભામાં ચૂંટાયેલાં સ્વાતિ માલીવાલ તેમના પદેથી રાજીનામું આપે તો સિંઘવીને રાજ્યસભામાં મોકલી શકાય એમ હોવાથી સ્વાતિને રાજીનામું આપવાનું કહેવાયું હોવાનું મનાઈ રહ્યું છે. સ્વાતિની ટર્મ ૨૦૩૦માં પૂરી થાય છે.



કેજરીવાલને વચગાળાના જામીન મેળવી આપવામાં સિંઘવીનો મોટો હાથ છે એથી તેમને સંસદસભ્ય બનાવવા માટે કેજરીવાલે કવાયત હાથ ધરી હતી.  કેજરીવાલની ધરપકડ થઈ ત્યારે સ્વાતિ માલીવાલ દેશની બહાર હતાં. પાર્ટીના મુશ્કેલ સમયમાં સ્વાતિ દેશની બહાર હોવાથી બીજા નેતાઓએ વિવિધ નિવેદન આપવાં પડતાં હતાં. લોકસભાની ચૂંટણી જાહેર થઈ હોવાથી તેમને દિલ્હી આવીને ચૂંટણીપ્રક્રિયામાં ભાગ લેવા જણાવવામાં આવ્યું હતું, પણ તેઓ આવ્યાં ત્યારે તેમને કોઈ મહત્ત્વનું કામ સોંપાયું નહોતું.


બીજી તરફ કેજરીવાલ જેલમાં ગયા એથી પાર્ટીમાં પણ વિવિધ પાવર-સેન્ટર ઊભાં થયાં હતાં અને આની ફરિયાદ કરવા માટે સ્વાતિ સોમવારે કેજરીવાલને મળવા ગયાં હતાં. સૂત્રોએ જણાવ્યા મુજબ સ્વાતિ માલીવાલ ૧૩ મેએ જ્યારે કેજરીવાલના ઘરે પહોંચ્યાં ત્યારે તેમને રાજીનામાના કાગળ પર સહી કરવાનું કહેવામાં આવ્યું હતું. તેમને અન્ય પોઝિશન અપાશે એવું પણ જણાવવામાં આવ્યું હતું. જોકે તેમણે એનો વિરોધ કરતાં કહ્યું હતું કે બીજા ૯ સંસદસભ્યો છે તેમને કહો, હું રાજીનામું નહીં આપું. આમ આ વિરોધ કરવાને કારણે તેમના પર હુમલો થયો હતો.

પાર્ટીએ કર્યો પલટવાર, આ તો BJPનું કાવતરું
આમ આદમી પાર્ટીમાં ​મિનિસ્ટર આતિશીએ ગઈ કાલે આ મામલામાં એક પ્રેસ-કૉન્ફરન્સમાં સ્પષ્ટતા કરી હતી કે સ્વાતિ માલીવાલ મુખ્ય પ્રધાનના ઘરમાં જબરદસ્તી ઘૂસ્યાં હતાં અને આ બધું BJPનું કાવતરું છે.


Whatsapp-channel Whatsapp-channel

18 May, 2024 09:45 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK