જગદ્ગુરુ રામભદ્રાચાર્યની શિબિરને ખાસ રીતે તૈયાર કરવામાં આવી રહી છે
તુલસી પીઠાધીશ્વર જગદ્ગુરુ રામભદ્રાચાર્ય ગઈ કાલે પ્રયાગરાજમાં છાવણી પ્રવેશ વખતે.
પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરને મુક્ત કરાવવા અને ભારત સાથે જોડી દેવા માટે પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં સ્વામી રામભદ્રાચાર્ય ૨૫૧ હવનકુંડમાં વિશેષ અનુષ્ઠાન કરવાના છે.
આસ્થાના આ સૌથી મોટા મહાપર્વમાં આ સંત-મહાત્મા ધર્મ અને અધ્યાત્મની અલખ જગાવવા સાથે રાષ્ટ્રચિંતન પણ કરવાના છે. સંગમના તટ પર જગદ્ગુરુ સ્વામી રામભદ્રાચાર્યની શિબિરમાં ૨૫૧ હવનકુંડ તૈયાર કરવામાં આવ્યા છે. એમાં રાષ્ટ્રચિંતન સાથે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરને મુક્ત કરાવવા માટે વિશેષ અનુષ્ઠાન હાથ ધરવામાં આવશે. ૧૩ જાન્યુઆરીથી ૧૩ ફેબ્રુઆરી સુધી સ્વામી રામભદ્રાચાર્યના નેતૃત્વમાં આ અનુષ્ઠાન થશે. આ માટે યજ્ઞશાળા બનાવવાનું કામ અંતિમ ચરણમાં છે.
જગદ્ગુરુ રામભદ્રાચાર્યની શિબિરને ખાસ રીતે તૈયાર કરવામાં આવી રહી છે. શિબિરના મુખ્ય પ્રવેશદ્વારને શ્રી રામ મંદિરના મૉડલના રૂપમાં તૈયાર કરવામાં આવી રહ્યું છે. કથા પંડાલની બહાર વિશાળકાય હનુમાનજીની પ્રતિમા પણ તૈયાર કરવામાં આવી રહી છે. આ અનુષ્ઠાન હનુમાનજીના સાંનિધ્યમાં થશે.