સમાજવાદી પાર્ટીના મહામંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ આમ કહીને વિવાદ છેડ્યો
અયોધ્યા રામ મંદિર
લખનઉ (પી.ટી.આઇ.) : સમાજવાદી પાર્ટીના મહાસચિવ સ્વામી પ્રસાદ મૌર્ય રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહ પર સવાલ ઉઠાવીને ફરી વિવાદમાં આવ્યા છે. મૌર્યએ રામલલ્લાના અભિષેક સમારોહ પર પ્રશ્ન કરતાં એવું જણાવ્યું હતું કે જ્યારે અયોધ્યામાં હજારો વર્ષોથી ભગવાન રામની પૂજા થતી આવી છે ત્યારે બાવીસ જાન્યુઆરીએ પ્રાણપ્રતિષ્ઠા માટે કરોડો રૂપિયા ખર્ચવાની શું જરૂર હતી. બુધવારે ઉત્તર પ્રદેશ વિધાન પરિષદમાં મૌર્યના આ નિવેદનની ડેપ્યુટી ચીફ મિનિસ્ટર કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠકે આકરી ટીકા કરી હતી. તો સપાના નેતાઓએ પણ મૌર્યના નિવેદનને વખોડ્યું હતું. કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું હતું કે સમાજવાદી પાર્ટી ૨૦૨૪માં સમાપ્તવાદી પાર્ટી બનવા જઈ રહી છે અને આ માટે અખિલેશ યાદવ જવાબદાર હશે. જો યાદવ કોઈના નિવેદન સાથે સહમત ન હોય તો તેમની (મૌર્ય) સામે કાર્યવાહી કરવી જોઈએ.