ન્યાયની દેવીની નવી મૂર્તિમાં આંખો પરથી પટ્ટી હટાવી દેવામાં આવી, હાથમાં તલવારના સ્થાને બંધારણની બુક
ન્યાયની દેવીની નવી મૂર્તિ
સુપ્રીમ કોર્ટમાં ન્યાયની દેવીની નવી મૂર્તિ મૂકવામાં આવી છે અને એમાં તેમની આંખો પરથી કાળી પટ્ટી હટાવી દેવામાં આવી છે અને હાથમાં તલવારના સ્થાને બંધારણની બુક મૂકવામાં આવી છે. જોકે ન્યાયદેવીના હાથમાં ત્રાજવું એમ જ રાખવામાં આવ્યું છે.
ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડના આદેશ બાદ આ બદલાવ કરવામાં આવ્યા છે. એનો અર્થ એ જણાવવાનો છે કે ભારતમાં કાયદો આંધળો નથી. આ મૂર્તિ સુપ્રીમ કોર્ટના જજોની લાઇબ્રેરીમાં મૂકવામાં આવી છે.
ADVERTISEMENT
જૂની મૂર્તિમાં દર્શાવવામાં આવેલું કે કાયદો આંધળો છે અને સજાનું પ્રતીક આજના હિસાબથી બરાબર નહીં હોવાથી આ બદલાવ કરવામાં આવ્યા છે.
પહેલાંની મૂર્તિમાં આંખો પર પટ્ટીનો મતલબ થતો હતો કે કાયદો બધાના માટે સરખો વ્યવહાર કરે છે અને તલવાર દર્શાવતી હતી કે તેની પાસે સત્તા છે અને ખોટાં કામ કરનારને સજા આપી શકે છે. જોકે નવી મૂર્તિમાં ત્રાજવું એમ જ રાખવામાં આવ્યું છે જે દર્શાવે છે કે કોર્ટ બેઉ પક્ષોને સાંભળ્યા બાદ જ ચુકાદો આપશે.
મૂર્તિનો ઇતિહાસ
ન્યાયની દેવીની આ મૂર્તિ કોર્ટમાં જોવા મળે છે અને એ હકીકતમાં યુનાનની દેવી છે જેનું નામ જસ્ટિયા છે અને એના પરથી જસ્ટિસ શબ્દ આવ્યો છે. આંખો પર પટ્ટીનો અર્થ એ છે કે ન્યાય હંમેશાં નિષ્પક્ષ હોવો જોઈએ. ૧૭મી સદીમાં એક અંગ્રેજ ઑફિસર આ મૂર્તિ ભારત લાવ્યા હતા. તેઓ કોર્ટના અધિકારી હતા. ૧૮મી સદીમાં બ્રિટિશ રાજમાં ન્યાયની દેવીની મૂર્તિનો સાર્વજનિક રીતે ઉપયોગ થવા લાગ્યો અને આઝાદી બાદ આપણે પણ એને ન્યાયના પ્રતીક તરીકે અપનાવવા લાગ્યા.

