સનાતન ધર્મની સરખામણી ડેન્ગી અને મલેરિયા સાથે કરનારા ઉદયનિધિ સ્ટૅલિનની સુપ્રીમ કોર્ટે કાઢી ઝાટકણી
ઉદયનિધિ સ્ટૅલિન
સનાતન ધર્મ નાબૂદ થવો જોઈએ એવી ટિપ્પણી કરનારા તામિલનાડુના પ્રધાન ઉદયનિધિ સ્ટૅલિનની સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે સ્ટૅલિન દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાના નિર્ણય સામે પણ સવાલ ઉઠાવ્યો હતો.
કોર્ટે તામિલનાડુના પ્રધાનને ફટકાર લગાવતાં કહ્યું હતું કે ‘તમે બંધારણની કલમ ૧૯(૧)(એ) અને ૨૫ હેઠળ તમારા અધિકારનો દુરુપયોગ કરો છો અને હવે તમે કલમ ૩૨ (સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવી) હેઠળ તમારા અધિકારનો ઉપયોગ કરી રહ્યા છો? તમે સામાન્ય માણસ નથી, પ્રધાન છો. તમે જે બોલો છો એનાં પરિણામથી તમારે વાકેફ હોવું જોઈએ.’ સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી ૧૫ માર્ચ સુધી મુલતવી રાખી હતી. તામિલનાડુના મુખ્ય પ્રધાન અને ડીએમકેના પ્રમુખ એમ. કે. સ્ટૅલિનના પુત્ર ઉદયનિધિ સ્ટૅલિને સપ્ટેમ્બર ૨૦૨૩માં એક કૉન્ફરન્સ દરમ્યાન સનાતન ધર્મની સરખામણી ડેન્ગી અને મલેરિયા જેવા રોગ સાથે કરી હતી અને એવું નિવેદન આપ્યું હતું કે સનાતન ધર્મ સામાજિક ન્યાય અને સમાનતાની વિરુદ્ધ છે અને એ નાબૂદ થવો જોઈએ.

