વિરોધ પક્ષો વતી વકીલ અભિષેક મનુ સિંઘવી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
સુપ્રીમ કોર્ટે ગઈ કાલે ૧૪ વિરોધ પક્ષોની અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર પર સત્તાનો દુરુપયોગ કરવાનો અને રાજકીય હરીફોને હેરાન કરવા અને ડરાવવા માટે કેન્દ્રીય તપાસ એજન્સીઓનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો. વિરોધ પક્ષો વતી વકીલ અભિષેક મનુ સિંઘવી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ૨૦૧૪થી વડા પ્રધાન મોદી સત્તામાં આવ્યા ત્યારથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી) અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) દ્વારા વિપક્ષના નેતાઓ વિરુદ્ધ નોંધાયેલા કેસોની સંખ્યામાં ભારે વધારો થયો છે. ઈડીએ છેલ્લા દાયકાની સરખામણીમાં સાત વર્ષમાં છ ગણા વધુ કેસ નોંધ્યા હતા, પરંતુ દોષિત સાબિત કરવાનો દર માત્ર ૨૩ ટકા હતો. ઈડી અને સીબીઆઇના ૯૫ ટકા કેસ વિપક્ષના નેતાઓ સામે છે એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Delhi Excise મામલે સીબીઆઈ બાદ ઇડી કેસમાં પણ મનીષ સિસોદિયાને 17 એપ્રિલ સુધી જેલ
ADVERTISEMENT
જોકે ભારતના ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડે અરજી અંગે શંકા વ્યક્ત કરતાં સિંઘવીને પૂછ્યું હતુ કે શું તેઓ વિરોધ પક્ષો માટે તપાસ અને કાર્યવાહીમાંથી મુક્તિ માગી રહ્યા છે અને તેમને નાગરિક તરીકે કોઈ વિશેષ અધિકારો છે. જે વિશે સ્પષ્ટતા કરતાં સિંઘવીએ કહ્યું હતું કે વિપક્ષના નેતાઓ કોઈ ખાસ રક્ષણ માટે પૂછતા નથી, પરંતુ કાયદાના નિષ્પક્ષ ઉપયોગ માટે પૂછી રહ્યા છીએ. સરકાર વિપક્ષને નબળા પાડવા અને હતાશ કરવા માટે એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. જોકે ચીફ જસ્ટિસ સિંઘવીની દલીલોથી સહમત નહોતા અને કહ્યું હતું કે આ અરજી રાજકારણીઓ માટેની છે. એમાં ભ્રષ્ટાચાર અથવા ગુનાખોરીથી પ્રભાવિત થનારા નાગરિકોનાં અધિકારો અને હિતોને ધ્યાનમાં લેવામાં આવ્યાં નથી.