વિવાદાસ્પદ ઑફિસરની ધરાર નિમણૂક કરવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાનની જબરદસ્ત ઝાટકણી કાઢી
પુષ્કર સિંહ ધામી
ઉત્તરાખંડના જંગલ ખાતાના પ્રધાન અને બીજા અધિકારીઓએ વિવાદાસ્પદ ઇન્ડિયન ફૉરેન સર્વિસ (IFS)ના અધિકારી રાહુલને રાજાજી ટાઇગર રિઝર્વમાં ડિરેક્ટર પદે નિયુક્ત ન કરવા મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીને સત્તાવાર રીતે કહ્યું હોવા છતાં તેમણે બધાના ઓપિનિયનને અવગણીને આ ઑફિસરની નિમણૂક કરી હોવાથી સુપ્રીમ કોર્ટે જબરદસ્ત ઝાટકણી કાઢી હતી. તેણે કહ્યું હતું કે ‘સરકારના હેડ ‘જૂના જમાનાના રાજા’ની જેમ ન વર્તી શકે. આપણે સામંતવાદના યુગમાં નથી જીવી રહ્યા. તેઓ મુખ્ય પ્રધાન છે એનો અર્થ એવો નથી થતો કે તે કંઈ પણ કરી શકે.’
જોકે સુપ્રીમ કોર્ટની આ લપડાક બાદ રાજ્ય સરકારે જસ્ટિસ બી. આર. ગવઈ, પી. કે. મિશ્રા અને કે. વી. વિશ્વનાથનની બેન્ચને જણાવ્યું હતું કે આ આદેશ ત્રીજી સપ્ટેમ્બરે પાછો ખેંચી લેવામાં આવ્યો છે. IFS ઑફિસરની સામે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની તપાસ તેમ જ શિસ્તભંગની કાર્યવાહી ચાલી રહી હોવાથી તેમને અપૉઇન્ટ ન કરવાનો ઓપિનિયન આપવામાં આવ્યો હતો. આને લીધે જ કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે આ ઑફિસર પ્રત્યે મુખ્ય પ્રધાનને સ્પેશ્યલ લાગણી શું કામ છે?