સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમે માળખાકીય પ્રક્રિયામાં ખામીઓ પર પ્રકાશ પાડ્યો છે
સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર
દેશમાં વિવિધ પરીક્ષાનું સંચાલન કરતી નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને પરીક્ષા-પદ્ધતિમાં પેપર-લીક જેવી બાબતો રોકવા, એમાં રહેલી ખામીઓને શોધવા માટે આધુનિક ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવાનો નિર્દેશ સુપ્રીમ કોર્ટે આપ્યો હતો. નૅશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ અન્ડર ગ્રૅજ્યુએટ (NEET-UG) પરીક્ષામાં પેપર-લીક બાદ NTAને ભારે ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ગઈ કાલે સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમે માળખાકીય પ્રક્રિયામાં ખામીઓ પર પ્રકાશ પાડ્યો છે. સ્ટુડન્ટ્સના ભાવિ માટે આ સારું નથી એટલે એમાં સુધારા થવા જરૂરી છે.
ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડની આગેવાની હેઠળની બેન્ચે આ મામલે તપાસ કરવા માટે નિમાયેલી સમિતિને ૩૦ સપ્ટેમ્બર સુધીમાં તેમનો રિપોર્ટ સુપરત કરવા જણાવ્યું છે. આ સમિતિમાં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ISRO)ના ભૂતપૂર્વ ચીફ ડૉ. કે. રાધાકૃષ્ણન અને દિલ્હી ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS)ના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાનો સમાવેશ છે. આ સમિતિને સમગ્ર પરીક્ષા-પ્રક્રિયાનું વિશ્લેષણ કરવા અને વધુ કાર્યક્ષમ બનાવવા ફેરફારો સૂચવવાની કામગીરી સોંપવામાં આવી છે.