સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડમાં રેલવેની જમીન પર દસકાઓથી રહેતા હજારો લોકોને હટાવવાની પ્રક્રિયાને અટકાવી
સુપ્રીમ કોર્ટ ફાઇલ તસવીર
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં અત્યંત ઠંડીમાં રાતોરાત ઘર ગુમાવવાની આશંકાથી પરેશાન હજારો લોકોને ગઈ કાલે રાહત આપી હતી. અદાલતે અહીં રેલવેની જમીન પરથી ગેરકાયદે કબજો હટાવવાની પ્રક્રિયાને અટકાવી હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ‘રાતોરાત ૫૦,૦૦૦ લોકોને હટાવી ન શકાય, આ માનવીય મુદ્દો છે, કોઈ પ્રૅક્ટિકલ ઉપાય શોધવાની જરૂર છે.’ અદાલતે ઉત્તરાખંડ હાઈ કોર્ટના આદેશને અટકાવ્યો હતો. વર્ષો સુધી એક કેસ ચાલ્યા બાદ હાઈ કોર્ટે રેલવેની જમીન પર રહેલાં ૪૦૦૦ જેટલાં ઘરોમાં રહેતા લગભગ ૫૦,૦૦૦ લોકોને હટાવવા માટે મંજૂરી આપી હતી.
ADVERTISEMENT
લોકોને એ જગ્યા પરથી હટાવવા માટે બળનો પણ ઉપયોગ કરવા વિશેના હાઈ કોર્ટના સજેશન વિશે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ‘દશકાઓથી ત્યાં રહેતા લોકોને હટાવવા માટે અર્ધલશ્કરી દળોને તહેનાત કરવા પડશે, એમ જણાવવું યોગ્ય ન હોઈ શકે.’
અદાલતે એ એરિયાના કોઈ પણ બાંધકામને પણ અટકાવ્યું છે અને આ બાબતે રેલવે અને ઉત્તરાખંડ સરકાર પાસેથી જવાબ પણ માગ્યો છે. આ મામલે આવતા મહિને વધુ સુનાવણી થશે.
ઍક્ટિવિસ્ટ-લૉયર પ્રશાંત ભૂષણે ઔપચારિક વિનંતી કર્યાને એક દિવસ બાદ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચન્દ્રચુડ અને જસ્ટિસિસ એસએ નઝીર અને પીએસ નરસિંહની બેન્ચે આ કેસમાં સુનાવણી હાથ ધરી હતી.