દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે આપી મંજૂરી, મુસ્લિમ મહિલાઓની તેમની મંજૂરી વગર કરવામાં આવતી હતી ઑનલાઇન હરાજી
પ્રતીકાત્મક તસવીર
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી. કે. સક્સેનાએ મુસ્લિમ મહિલાઓની ઑનલાઇન હરાજી કરવાના સુલ્લી ડીલ્સ કેસના મુખ્ય આરોપી સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી છે. એ અંતર્ગત મુખ્ય આરોપી ૨૬ વર્ષના ઓમકારેશ્વર ઠાકુર સામે ગુનાહિત કાવતરું ઘડવાના આરોપસર કાર્યવાહી કરવામાં આવશે. ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ ૧૯૬ હેઠળ આરોપી સામે કાર્યવાહી કરવા માટે પોલીસને લેફ્ટનન્ટ ગવર્નરની મંજૂરીની જરૂર હોય છે. ઠાકુરે મધ્ય પ્રદેશના ઇન્દોરની આઇપીએસ ઍકૅડેમીમાંથી બૅચલર્સ ઑફ કમ્પ્યુટર ઍપ્લિકેશનનો અભ્યાસ કર્યો હતો અને તેણે જ સુલ્લી ડીલ્સ ઍપ અને સુલ્લી ડીલ્સ ટ્વિટર હૅન્ડલ બનાવ્યું હતું, જે સોશ્યલ મીડિયા પર મુસ્લિમ મહિલાઓને અને મુસ્લિમ સમાજને અપમાનિત કરતો હતો. ઘણી મુસ્લિમ મહિલાઓની મોબાઇલ ઍપ્લિકેશન પર હરાજી કરવામાં આવી હતી. મહિલાઓની મંજૂરી વગર જ તેમના ફોટો અપલોડ કર્યા હતા. પોલીસે ૨૦૨૧ની ૭ જુલાઈએ કેસ દાખલ કર્યો હતો અને આ વર્ષે જાન્યુઆરીમાં આરોપીની ધરપકડ કરી હતી.
ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ કેપીએસ મલ્હોત્રાએ કહ્યું હતું કે આરોપીએ સ્વીકાર્યું હતું કે તે ટ્વિટરના એક જૂથનો સભ્ય હતો. એમાં મુસ્લિમ મહિલાઓને બદનામ કરવાની યોજના બનાવવામાં આવી હતી. પોલીસે નીરજ બિશ્નોઈની પૂછપરછ દરમ્યાન ઠાકુર વિશે માહિતી મેળવી હતી, જે બુલ્લીબાઈ ઍપ્લિકેશનનો મુખ્ય કાવતરાખોર હતો.