શનિવારે સાઉદી અરેબિયા દ્વારા એના પહેલાં સર્ચ ઑપરેશનમાં સુદાનમાંથી ૧૫૦ લોકોને સુરક્ષિત સ્થાને લઈ જવાયા હતા,
ઇન્ડિયન ઍર ફોર્સનું C-130J
હિંસાગ્રસ્ત સુદાનમાંથી પોતાના દેશના નાગરિકોને સુરક્ષિત સ્થાને લઈ જવા કોશિશ કરી રહેલા દેશોમાં હવે ભારત પણ સામેલ થઈ ગયું છે. વિદેશ મંત્રાલયે ગઈ કાલે જણાવ્યું હતું કે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં ઇન્ડિયન ઍર ફોર્સનાં બે C-130J ઍરક્રાફ્ટ્સ રેડી પોઝિશનમાં છે અને આઇએનએસ સુમેધા પોર્ટ સુદાન પહોંચી ગયું છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ‘કેન્દ્ર સરકાર સુદાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા અને સલામતીની ખાતરી કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહી છે. અમે સુદાનમાં સુરક્ષાની સ્થિતિ પર ખાસ નજર રાખી રહ્યા છીએ.’
વિદેશ મંત્રાલય અને સુદાનમાં ભારતીય એમ્બેસી સુદાનની ઑથોરિટીઝ સિવાય સંયુક્ત રાષ્ટ્ર, સાઉદી અરેબિયા, યુએઈ, ઇજિપ્ત અને અમેરિકાના પણ સતત સંપર્કમાં છે. શનિવારે સાઉદી અરેબિયા દ્વારા એના પહેલાં સર્ચ ઑપરેશનમાં સુદાનમાંથી ૧૫૦ લોકોને સુરક્ષિત સ્થાને લઈ જવાયા હતા, જેમાંથી ૯૧ સાઉદી અરેબિયાના નાગરિકો હતા, જ્યારે ૬૬ વિદેશી નાગરિકો હતા, જેમાં કેટલાક ભારતીયોનો પણ સમાવેશ થાય છે. આ લોકોને નેવલ શિપ દ્વારા સુરક્ષિત સ્થાને લઈ જવાયા હતા.