કેટલાકે પૂછ્યું છે કે ૧૦૦ કિલોમીટરની ઝડપે જતું વાહન જો અચાનક અટકી જાય તો પણ વધુ નુકસાન થઈ શકે છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
ઇન્દોરના પાંચ સ્ટુડન્ટ્સે ભેગા મળીને એક એવી ઍન્ટિ સ્લીપ અલાર્મ ડેવલપ કરી છે, જેમાં જો ટ્રક, બસ કે કાર ચલાવી રહેલા ડ્રાઇવરને ઝોકું આવી જાય તો એવા સંજોગોમાં એ જાતે જ વાહનને અટકાવી દે છે. એક સ્ટુડન્ટે આ મામલે માહિતી આપતાં જણાવ્યું કે ‘જો ડ્રાઇવરની આંખ બંધ થાય તો સિસ્ટમનું સેન્સર પહેલાં અલાર્મ વગાડીને તેને ઉઠાડવાનો પ્રયાસ કરે છે, એમ છતાં ડ્રાઇવર આંખ ન ખોલે તો સિસ્ટમ વાહનને બ્રેક લગાવી દે છે. પરિણામે વાહન આગળ જઈ શકતું નથી.’
હોશંગાબાદ જિલ્લામાં થયેલા એક બસ-ઍક્સિડન્ટની ઘટના બાદ તેમને આ ઍન્ટિ સ્લીપ અલાર્મ સિસ્ટમ ડેવલપ કરવાનો વિચાર આવ્યો હતો. મોટા ભાગે ડ્રાઇવર સ્ટિયરિંગ હાથમાં હોય ત્યારે સૂઈ જવાને કારણે અકસ્માત થાય છે. આ ઘટના વિશે જાતજાતની પ્રતિક્રિયા પણ આવી છે. કેટલાકે પૂછ્યું છે કે ૧૦૦ કિલોમીટરની ઝડપે જતું વાહન જો અચાનક અટકી જાય તો પણ વધુ નુકસાન થઈ શકે છે. એના જવાબમાં જણાવાયું હતું કે આ શોધ હજી પ્રાથમિક તબક્કામાં છે. એનું કમર્શિયલ પ્રોડક્શન શરૂ થયું નથી.